હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે બળજબરીથી લગ્ન કાયદેસર છે કે ગેરકાયદેસર….
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પટણા હાઈ કોર્ટના ‘પકડૌઆ લગ્ન’ અથવા ‘બળજબરીથી લગ્ન’ને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો, કારણ કે વરને બંદૂકની અણી પર લગ્ન કરવાની ફરજ પાડવામાં આવી હતી અને હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ જરૂરી સાત ફેરા લેવામાં આવ્યા નહોતા.
જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે બુધવારે કહ્યું હતું કે તે આ અંગે નોટિસ જારી કરશે. કોર્ટે કહ્યું હતું કે ચુકાદાની કામગીરી અને અમલ આગામી ચુકાદા સુધી હોલ્ડ પર રાખવામાં આવશે.
નવેમ્બર 2023માં પટણા હાઈ કોર્ટે બળજબરીથી લગ્નના કેસને રદ કરી દીધો હતો અને કહ્યું હતું કે જે લગ્નમાં હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લેવામાં ના આવે તે લગ્નને માન્ય ગણી શકાય નહિ. અરજદારે અગાઉ ફેમિલી કોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે આ અરજી 27 જાન્યુઆરી 2020ના રોજ એમ કહીને ફગાવી દીધી હતી કે તમે એ સાબિત નથી કરી શકતા કે તમારા લગ્ન બળજબરીપૂર્વક કરવામાં આવ્યા છે.
જેના સાથે લગ્ન થયા છે તે યુવતીએ એમ જણાવ્યું હતું કે લગ્ન જૂન 2013માં તમામ હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે તેના પિતાએ 10 લાખ રૂપિયા અને અન્ય સામગ્રી પણ ભેટમાં આપી હતી. જોકે બિહારમાં છોકરાને કિડનેપ કરીને તેને બંધક બનાવીને આ રીતે લગ્ન કરવા એ એક સામાન્ય બાબત છે.
હાઈ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીમાં અરજદારએ જણાવ્યું હતું કે તેને બંદૂકની અણી પર લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. તેને કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક વિધિ વિના છોકરીની મંગ સિંદૂરથી ભરવાની ફરજ પાડવામાં આવી હતી.