2024ની લોકસભા ચૂંટણી પહેલા અનેક બોલીવુડ સ્ટાર્સ રાજકારણમાં જોડાવાના હોવાની અટકળો વહેતી થઇ છે. પહેલા માધુરી દિક્ષીત મુંબઇ અથવા પુણેથી ચૂંટણી લડશે તેવી વાતો ફેલાઇ હતી, અને હવે ‘ફેમિલી મેન’ મનોજ બાજપેયી બિહારથી રાજકારણમાં પ્રવેશવાનો છે તેવી ચર્ચા થઇ રહી છે, જો કે અભિનેતાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી હતી.
મનોજ બાજપેયીને ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે શું તેઓ રાજકારણમાં આવવાના છે, અભિનેતાએ અનેક વાર આ સવાલોનો જવાબ પણ આપી ચુક્યા છે. જો કે હાલમાં જ તેમના બિહારથી લોકસભાની ચૂંટણી લડવાના સમાચાર વાયરલ થયા હતા, ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા આપી હતી, ચાલો તમને જણાવીએ કે તેમણે શું કહ્યું…
સોશિયલ મીડિયા સાઇટ X પર હાલમાં જ એક પોસ્ટ વાયરલ થઇ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મનોજ બાજપેયી બિહારની પશ્ચિમ ચંપારણ બેઠકથી લોકસભા ચૂંટણી લડશે. જ્યારે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે અભિનેતાએ તેનો જવાબ આપ્યો હતો. તેણે X પર લખ્યું, ‘ઠીક છે, મને કહો કે આ કોણે કહ્યું અથવા તમને ગઈકાલે રાત્રે સપનું આવ્યું? બોલો, બોલો!’ અભિનેતાની આ પોસ્ટ પર યુઝર્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે.
Achcha ye bataiye ye baat kisne bola ya kal raat Sapna aaya ? Boliye boliye! https://t.co/8pIbjoxrGR
— manoj bajpayee (@BajpayeeManoj) January 4, 2024
એક યુઝરે લખ્યું- ‘મનોજ ભૈયા, શપથ લો કે તમે ભાજપ સિવાય બીજે ક્યાંયથી ચૂંટણી નહીં લડો.’ બીજાએ લખ્યું- ‘તો સોગંદ લો કે તમે ક્યારેય RJD તરફથી ચૂંટણી નહીં લડો.’ અન્ય એક યુઝરે પણ કટાક્ષ કર્યો- ‘તમે ચૂપ રહો મનોજજી, આ લોકો તમારા વિશે તમારા કરતા વધારે જાણે છે…’
મનોજના જવાબથી સ્પષ્ટ છે કે આ સમાચાર માત્ર અફવા છે અને મનોજ રાજકારણમાં પ્રવેશ નથી કરી રહ્યા. તાજેતરમાં એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે “છેલ્લા 25 વર્ષથી જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બિહાર અને મારા શહેરમાં એવી અફવાઓ ઉડાવવામાં આવે છે કે હું ચૂંટણી લડવાનો છું. દર વખતે ત્યાંથી કોઈક મિત્ર મને ફોન કરે છે અને પુષ્ટિ કરે છે કે મનોજ બાજપેયી કોઈ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે કે કેમ, કારણ કે તેઓ પણ તે જ સંસદીય ક્ષેત્રમાં ચૂંટણી લડી રહ્યા છે. મારે તેમને આશ્વાસન આપવું પડશે કે હું નથી લડવાનો, એવું મનોજ બાજપેયીએ જણાવ્યું હતું.