Politics: ચાલુ વર્ષે લોકસભામાં નહીં પણ રાજ્યસભામાં પણ ધમાસાણ, જાણો શા માટે
અમદાવાદઃ હાલમાં ભારતના રાજકારણમાં લોકસભાની ચૂંટણીનો મુદ્દો જ મહત્વનો બની ગયો છે. દરેક નાના મોટા રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. બહાર લોકોને દેખાતી તૈયારીઓ કરતા અંદરોઅંદર પક્ષમાં અને દરેક મતવિસ્તારમાં ચાલતી તૈયારીઓ અલગ જ હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ વિજયની હેટ્રિક કરવાની તૈયારીમાં પડ્યા છે તો વિપક્ષો ફરી સત્તામાં આવવા કે અસ્તિત્વ ટકાવી રાખવાની પળોજણમાં છે. આ બધા વચ્ચે બીજી એક મહત્વની ઘટના રાજકીય ક્ષેત્રમાં ચાલુ વર્ષે ઘડવાની છે. આ વર્ષે રાજ્યસભાના 68 સભ્યોની ટર્મ પૂરી થવા જઈ રહી છે. જેમાં ભાજપના નવ કેન્દ્રીય પ્રધાન સહિતા 60 સભ્યનો સમાવેશ થાય છે. આમાંથી અમુક લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના પણ છે.
68માંથી 57 સભ્યની ટર્મ એપ્રિલ મહિનામાં જ પૂરી થાય છે. જેમાં કૉંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, હાલના કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ, મનસુખ મંડવીયા, અશ્વિની વૈશ્ર્ણવ વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્યની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 10, મહારાષ્ટ્ર અને બિહારમાં 6, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાંચ, કર્ણાટક અને ગુજરાતમાં ચાર, ઓડિશા, તેલંગણા, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ત્રણ, ઝારખંડ અને રાજસ્થાનમાં બે અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં એક સભ્યની ટર્મ પૂરી થાય છે. આ સાથે ચાર નોમિનેટેડ રાજ્યસભા સભ્યો જુલાઈમાં નિર્વૃત્ત થશે.
જોકે મોટા ભાગના રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી રાજ્યસભામાં ફરી બહુમતી મેળવવામાં ભાજપને લગભગ વધારે મહેનત કરવી પડશે નહીં જ્યારે કૉંગ્રેસ કર્ણાયક અને તેલંગણામાંથી વધારે સભ્યો મોકલી શકે છે. મહારાષ્ટ્રમાં જંગ જામવાની સંભાવના છે.