વેપાર

ચાંદી વધુ ₹ ૯૧૨ તૂટી, સોનામાં ₹ ૨૩૯નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સ પશ્ર્ચાત્ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
જોકે, આજે લંડન ખાતે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાથી સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાને કારણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૮થી ૨૩૯નો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૯૧૨ ગબડી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૧૨ના કડાકા સાથે રૂ. ૭૨,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૭૧,૭૭૯ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત રૂપિયો મજબૂત થતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૮ ઘટીને રૂ. ૬૨,૫૨૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૯ ઘટીને રૂ. ૬૩,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૬૨,૭૭૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલનાં અમુક સભ્યોએ લાંબાગાળા સુધી ઊંચા વ્યાજદરની અને વર્ષ ૨૦૨૪નાં અંતિમ સમયગાળામાં વ્યાજ કપાતની તરફેણ કરી હતી. તેમ છતાં તમામ સભ્યો ફુગાવો નિયંત્રણ હેઠળ હોવાના મુદ્દે એકમત પણ રહ્યા હતા. આમ ફેડરલની નીતિવિષયક અનિશ્ર્ચિતતા સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ ઘટીને ગત ૨૧ ડિસેમ્બર પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ નોંધાતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૪૬.૭૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકા વધીને ૨૦૫૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
રોકાણકારોની નજર હવે આજે જાહેર થનારા જોબલેસ ડેટા અને આવતીકાલે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હતી. જોકે સીએમઈ ફેડ વૉચ ટૂલ અંતર્ગત અગાઉ ફેડરલ રિઝર્વ માર્ચ મહિનામાં વ્યાજદરની કપાત શરૂ કરે તેવી ૯૦ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી તેની સામે હવે ૬૬ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હોવાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button