એકસ્ટ્રા અફેર

કેજરીવાલની ધરપકડ મુદ્દે કાગનો વાઘ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

દિલ્હીના બહુ ગાજેલા લિકર એક્સાઈઝ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ આપ્યું એ સાથે જ ફરી રાજકીય પટ્ટાબાજી શરૂ થઈ ગઈ છે. એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ કેજરીવાલને ઉઠાવીને જેલમાં નાંખી દેવાનો તખ્તો ઘડાયો હોવાના આક્ષેપો શરૂ કર્યા છે ત્યારે બીજી તરફ ભાજપે કેજરીવાલ ન્યાયિક પ્રક્રિયાનું પાલન કરીને પૂછપરછ માટે હાજર થવાના બદલે મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યા હોવાનો આક્ષેપો કરતાં જંગ જામ્યો છે.
દિલ્હી લિકર એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા પણ કેજરીવાલ હાજર થયા ન હતા. આ પહેલાં ઈડીએ કેજરીવાલને બે નવેમ્બર અને ૨૧ ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું પણ કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો. પહેલી વાર કેજરીવાલ પાંચ રાજ્યોની ચૂંટણી પ્રચારના બહાને હાજર નહોતા થયા જ્યારે ૨૧ ડિસેમ્બરે સમન્સ મળ્યા પછી કેજરીવાલ ૧૦ દિવસની વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર ઉપડી ગયા હતા.
આ વખતે પણ કેજરીવાલે ઈડીના સમન્સને ગેરકાયદેસર અને રાજકારણથી પ્રેરિત ગણાવીને એવો આક્ષેપ કર્યો જ છે કે, ભાજપનો ઉદ્દેશ આ કેસમાં કોઈ તપાસ કરાવવાનો નથી પણ મને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવાનો છે. આમ આદમી પાર્ટીના પ્રધાનો આતિશી અને સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર કેજરીવાલની ધરપકડની શક્યતા હોવાનો દાવો કર્યો છે.
કેજરીવાલના વકીલે એવો જવાબ આપ્યો છે કે, કેજરીવાલ હમણાં રાજ્યસભાની ચૂંટણી અને પ્રજાસત્તાક દિવસની તૈયારીઓમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શકે તેમ નથી પણ તમને તેમની પાસેથી જે પણ જાણવાની ઈચ્છા હોય તે માહિતી જોઈતી હોય તો લેખિતમાં મોકલી આપો, કેજરીવાલ તેનો જવાબ આપશે. અરવિંદ કેજરીવાલે ચાર મિનિટ ૧૦ સેક્ધડનો વીડિયો દ્વારા લિકર સ્કેમ અંગે ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા છે.
કેજરીવાલના દાવા પ્રમાણે, છેલ્લાં બે વર્ષથી લિકર સેક્મ શબ્દો ગાજે છે અને ભાજપની ઘણી એજન્સીઓએ છેલ્લાં બે વર્ષમાં અનેક દરોડા પાડ્યા છે, અનેક લોકોની ધરપકડ કરી છે પણ હજુ સુધી એક પણ રૂપિયાની હેરફેર મળી નથી. ક્યાંયથી એક પૈસો પણ મળ્યો નથી. જો ભ્રષ્ટાચાર થયો હોત તો કરોડો રૂપિયા ક્યાં ગયા? આ બધા પૈસા હવામાં ગાયબ થઈ ગયા?
કેજરીવાલે એવો દાવો પણ કર્યો છે કે, કેન્દ્રીય એજન્સીઓ દાવો કરે છે એવું કોઈ પણ કૌભાંડ જ થયું નથી. એજન્સીઓએ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને ખોટા કેસોમાં જેલમાં પૂર્યા છે પણ કોઈની સામે કોઈ પુરાવા નથી. કશું સાબિત થઈ રહ્યું નથી છતાં ગુંડાગીરી ખુલ્લેઆમ ચાલી રહી છે. કોઈને પણ પકડીને જેલમાં નાખો એ આદેશ છે તેથી ઈડી પણ મારી ધરપકડ કરવા માગે છે કે જેથી મને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકી શકાય.
કેજરીવાલે બીજી પણ વાતો કરી છે ને બધી વાતો કરી શકાય તેમ નથી પણ કેજરીવાલે ઉઠાવેલા કેટલાક મુદ્દા વ્યાજબી છે. તેની વાત પછી કરીશું પણ સામે કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની ધરપકડ કરી દેવાશે એવી વાતો કરે છે તેની વાત કરી લઈએ. આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડના મુદ્દે કાગનો વાઘ કરી રહી છે.
કાયદા પ્રમાણે ઈડી કેજરીવાલની ધરપકડ ચોક્કસ કરી શકે. લિકર કેસ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધાયો છે અને પીએમએલએ હેઠળ કોઈ વ્યક્તિ વારંવારનાં સમન્સ છતાં હાજર ના થાય તો તેની ધરપકડ થઈ શકે છે પણ એ પહેલાં તેણે કેટલીક કાનૂની પ્રક્રિયા કરવી પડે.
ઈડીએ કેજરીવાલને ત્રણ સમન્સ મોકલ્યાં છતાં તે હાજર રહ્યા નથી. ઈડી હજુ બીજાં સમન્સ મોકલે ને કેજરીવાલ હાજર ના થાય તો વારંવાર ગેરહાજર રહેવા બદલ ઈડી કેજરીવાલ સામે જામીનપાત્ર વોરંટ બહાર પાડી શકે છે. કેજરીવાલ તેની સામે કોર્ટમાં જઈને જામીન મેળવી શકે છે. કેજરીવાલ કોર્ટમાં જઈ તપાસમાં સહકાર આપવાનું વચન આપે તો કોર્ટ ઈડીને તેમની ધરપકડ નહીં કરવાનો આદેશ આપી શકે છે.
કેજરીવાલ દ્વારા હાજર ન થવા માટે નક્કર કારણ આપવામાં આવે તો ઈડી સમય આપી શકે છે. કેજરીવાલે બે વાર સમન્સ પછી પણ હાજર ના થયેલા કેજરીવાલને એ સમય આપ્યો જ છે અને ત્રીજી વાર હાજર થવા ફરી સમન્સ મોકલ્યું છે તેથી ઈડી કાનૂની પ્રક્રિયાને અનુસરી રહી છે. કેજરીવાલ એ છતાં હાજર ના થાય તો ઈડી કલમ ૪૫ હેઠળ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડી શકે છે. બિનજામીનપાત્ર વોરંટ પછી પણ જો કેજરીવાલ હાજર ન થાય તો તપાસ અધિકારી તેમના નિવાસે જઈને પૂછપરછ કરી શકે છે. કેજરીવાલ દ્વારા સંતોષકારક જવાબો ન મળે કે પછી કેજરીવાલ સામે નક્કર પુરાવા હોય તો તેમની ધરપકડ પણ થઈ શકે છે.
ઈડીએ હજુ કેજરીવાલ સામે જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું નથી કે તેમની ધરપકડ કરાશે એવો કોઈ સંકેત પણ આપ્યો નથી તેથી અત્યારે કેજરીવાલની ધરપકડ થશે એવી હોહા વધારે પડતી છે. કેજરવીલા પ્રચારમાં ચેમ્પિયન છે તેથી પોતાની તરફેણમાં સહાનુભૂતિ મેળવવા આ મુદ્દાનો બરાબર ઉપયોગ કરી રહ્યા છે.
કેજરીવાલે જે મુદ્દા ઉઠાવ્યા છે એ સાચા પણ છે. દિલ્હીમાં લિકર કૌભાંડ થયું એવું ઈડી તથા બીજી એજન્સીઓ કહે છે પણ આ કૌભાંડનો રૂપિયો ક્યાંથી આવીને ક્યાં ગયો તેના કોઈ પુરાવા હજુ સુધી રજૂ કરાયા નથી. સુપ્રીમ કોર્ટે પણ આ સવાલ કરેલો પણ પછી સુપ્રીમ કોર્ટ પણ ચૂપ થઈ ગઈ.
આ કેસમાં સીબીઆઈ કેજરીવાલની પૂછપરછ કરી ચૂકી છે પણ કશું નક્કર લોકો સામે મૂકી શકી નથી. ગયા વર્ષે એપ્રિલમાં કેજરીવાલની સીબીઆઈએ તેમની ઓફિસમાં સાડા નવ કલાક સુધી પૂછપરછ કરી હતી પણ પછી કશું કર્યું નથી. સીબીઆઈએ ફેબ્રુઆરી ૨૦૨૩માં સિસોદિયાની ધરપકડ કરી હતી પણ રૂપિયા વિશે કોઈ ફોડ પાડ્યો નથી. હવે ચૂંટણી આવી છે ત્યારે આ મુદ્દો ફરી ઉખેળાયો છે એ જોતાં કેજરીવાલ આ મુદ્દાને રાજકીય રંગ આપે એ સ્વાભાવિક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button