નેશનલ

કુલગામમાં ૧૨ કલાકની અથડામણ બાદ આતંકવાદી ભાગી ગયા

ઍન્કાઉન્ટર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેના ઍન્કાઉન્ટર બાદ સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. (એજન્સી)

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ : કાશ્મીરના કુલગામમાં છેલ્લા ૧૨ કલાકોથી બે-ત્રણ આતંકવાદી સાથે અથડામણ ચાલુ હતી પરંતુ રાત્રે આતંકવાદી અંધારા અને ધુમ્મસની આડમાં ભાગવામાં સફળ થયા હતા. બીજી બાજુ લાઈન ઑફ કંટ્રોલ (એલઓસી)ને અડીને આવેલા પૂંછના અનેક વિસ્તારોમાં શંકાસ્પદ લોકોની હાજરીની બાતમી મળતાં શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું.
સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હદીગામમાં આંતકવાદીઓની હાજરીનો ઈનપુટ મળતાં ઘેરાબંદી અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતુું. થોડા સમય સુધી આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જવાનો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી અને સામસામે ગોળીબાર થયો હતો. ત્યાર બાદ અંધારાને લીધે ઓપરેશન અટકાવી દેવાયું હતું.
સુરક્ષા દળોને હાદીગામમાં આતંકવાદીઓ સંતાયા હોવાની બાતમી મળી હતી અને આને પગલે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન સંતાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. થોડીવાર ગોળીબાર થયા બાદ અંધારાને લીધે ગોળીબાર અટકાવી દેવો પડ્યો હતો. અથડામણના સ્થળે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેન્ટ્રલ રિઝર્લ પોલીસ ફોર્સ અને લશ્કરના જવાનો હાજર રહ્યા હતા. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને કોઈને અવરજવરની પરવાનગી આપી નહીં.
અધિકારીઓએ માહિતી આપી હતી કે ગુરૂવારે સવારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ફરી શરૂ કરાયું અને નાકાબંધી કરી હતી. જોકે આંતકવાદીઓ સાથે કોઈ નવી અથડામણ થઈ નહોતી. સૂત્રોએ કહ્યું હતું કે આતંકવાદી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ થયા હતા.
દરમિયાન પૂંચ જિલ્લાના વનક્ષેત્રમાં શંકાસ્પદ ઈસમ દેખાતાં સુરક્ષા દળોએ બુધવારે શોધખોળ અભિયાન ચાલું કર્યુ હતું. પૂંછના મેંઢરના કચલવાડી અને મંડીના અડાઈના વનક્ષેત્રમાં શંકાસ્પદ ગતિવિધિ દેખાતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસ, લશ્કર અને સીઆરપીએફના જવાનો આખા વિસ્તારને ખુંદી રહ્યા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button