આજે મુંબઈ-ગોવા હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ
નવી મુંબઈ: રાયગઢ જિલ્લાના લોનેરેમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે પાંચ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ યોજાનાર ‘ગવર્નમેન્ટ એટ યોર ડોરસ્ટેપ’ કાર્યક્રમને લીધે, હાઈવે પર ટ્રાફિક જામની સંભાવના જોઈને મુંબઈ-ગોવા હાઈવે પર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ૭૫,૦૦૦ લોકો સહભાગી થવાની અપેક્ષા રખાઈ રહી છે. પાંચમી જાન્યુઆરીએ સવારે એક વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી, મુંબઈ-ગોવા હાઈવે પર દૂધ, ડીઝલ, રાંધણ ગૅસ, દવાઓ, ઓક્સિજન અને શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતા વાહનોને બાદ કરતા ભારે વાહનો પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૬ પર
પોલાદપુર તાલુકાના કશેડીથી પેણ તાલુકાના ખારપડા સુધી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૪૮ પર ખોપોલી – પાલી ફાટાથી વાકન સુધીના પટને લાગુ પડે છે.
સરકાર તમારા દરવાજે (ગવર્નમેન્ટ એટ યોર ડોરસ્ટેપ) કાર્યક્રમ એ ફરિયાદ નિવારણ પહેલનો એક ભાગ છે, જે સુનિશ્ર્ચિત કરે છે કે રહેવાસીઓ વિવિધ સરકારી યોજનાઓ અને પહેલોનો સંપૂર્ણ લાભ મેળવી શકે. રાયગઢ પોલીસના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે લગભગ ૨,૦૦૦ બસો આવવાની અપેક્ષા છે, જેના કારણે મુંબઈ ગોવા હાઈવે પર ટ્રાફિકની ભીડ થવાની સંભાવના છે તેથી ટ્રાફિક ડાયવર્ઝનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોવાથી મુસાફરી કરતા અન્ય વાહનોને પાંચ જાન્યુઆરીના રોજ સવારે આઠ થી ૧૨ વાગ્યા સુધી અને બપોરે ત્રણ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી મોરબેથી માનગાંવ માર્ગનો ઉપયોગ કરીને ડાયવર્ટ કરવામાં આવશે.