ટ્રાન્સપોર્ટની હડતાળ: આજથી શાકભાજીના દર ઘટવાની શક્યતા
નવી મુંબઈ: માલવાહકોની હડતાળનો અંત આવ્યો હોવા છતાં, કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)માં આવક નિયમિત થઈ નથી. અન્ય રાજ્યોમાંથી કૃષિ માલની ગાડીઓ બુધવારે પણ આવી નહોતી. ગુજરાતમાંથી ખેતપેદાશની થોડીક જ ગાડીઓ આવી. તેમાં કઠોળનો સમાવેશ થતો હતો. દરમિયાન, શાકમાર્કેટમાં રાજ્યભરમાંથી પૂરતા પ્રમાણમાં શાકભાજી મળવાના કારણે ભાવમાં બહુ તફાવત જોવા મળ્યો નહોતો, પરંતુ છૂટક બજારમાં શાકભાજી ઊંચા ભાવે વેચાઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં કરાયેલા સુધારા સામે કાર્ગો ટ્રાન્સપોર્ટરોએ સોમવારથી ત્રણ દિવસની હડતાળ પાડી હતી. પરંતુ મંગળવારે રાત્રે હડતાળ પાછી ખેંચી લેવામાં આવી હતી. એક ટ્રક ચાલકે માહિતી આપી હતી કે કેટલીક નાની સંસ્થાઓએ વાહનોને બહાર કાઢ્યા નથી. જેને પરિણામે બજારમાં બે દિવસથી ખેતપેદાશના પુરવઠામાં ઘટ જોવા મળી હતી. બુધવારે ગાડીઓ આવી પહોંચી હતી. મંગળવારે માત્ર ૫૧૬ ગાડીઓ શાકમાર્કેટમાં આવી હતી જ્યારે બુધવારે ૫૬૦ ગાડીઓ આવી હતી. જોકે, અન્ય રાજ્યોમાંથી ગાડીઓ ન આવવાને કારણે વટાણા, ગાજર, ફ્લાવર અને લીલા વટાણા જેવા શાકભાજીના ભાવ મંગળવારની સરખામણીએ ઊંચા રહ્યા હતા. જો કે, રાજ્યમાંથી આવક નિયમિત હોવાથી આ શાકભાજીના ભાવ નિયમિત છે, એમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. આજથી ભાવ સ્થિર થવાની અપેક્ષા રખાઈ રહી છે.