બાવીસમી જાન્યુઆરીએ જાહેર રજા, દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી
મુંબઈ: અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામ ભગવાનનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોઇ તે દિવસે રાજ્યમાં જાહેર રજા તથા દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ રહી છે.
અયોધ્યામાં નવા રામ મંદિરનું કામ અંતિમ ચરણમાં છે અને ૨૨ જાન્યુઆરીએ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મૂર્તિ પ્રસ્થાપિત કરાશે. આ સમારોહ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભાજપના જનપ્રતિનિધિઓએ મુંબઈમાં અક્ષત કળશ યાત્રાઓનું આયોજન કર્યું છે. અનેક જગ્યાએ શ્રી રામ કથાના પ્રવચનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે, તમામ મંદિરોમાં ભજન અને કીર્તનનું આયોજન કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
દરમિયાન, ભાજપાના એક નેતાએ મુખ્ય પ્રધાને એકનાથ શિંદેને પત્ર મોકલીને રાજ્યમાં ૨૨ જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવાની માગણી કરી છે. તેમણે એવી પણ માગણી કરી છે કે ૨૨ જાન્યુઆરીએ દરેક જગ્યાએ દીપોત્સવ ઉજવવાની સૂચના આપીને જાહેર દીપોત્સવની મંજૂરી આપવામાં આવે. પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામમૂર્તિની સ્થાપના થઈ રહી છે અને આ દિવસ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવા જેવો છે. તેથી આ દિવસે સમગ્ર મહારાષ્ટ્રમાં દારૂ અને માંસ પર પ્રતિબંધ મુકવામાં આવે એવી માગ તેમણે કરી છે. રાજ્ય સરકારે આ માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવી જોઈએ, એવો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો છે.