રામ માંસાહારી, શિકારી: જિતેન્દ્ર આવ્હાડનું વિવાદાસ્પદ નિવેદન
અજિત પવાર જૂથ અને ભાજપના નેતાઓ તેમ જ સંતોએ તેમની સામે ગુનો નોંધવાની માગણી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે બુધવારે રામ બદલ કરેલા એક વિવાદાસ્પદ નિવેદનને પગલે ગુરુવારે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ડહોળાઈ ગયું હતું. ભાજપ અને સંત સમાજે તો આવ્હાડ સામે ગુનો દાખલ કરવાની માગણી કરી જ હતી, પરંતુ તેમના જ પક્ષના નેતા અને શરદ પવારના પૌત્ર રોહિત પવારે પણ આ નિવેદન બદલ તેમની ટીકા કરી હતી. ચારે તરફથી થઈ રહેલા ટીકાના વરસાદ વચ્ચે આવ્હાડે માફી માગતાં એવો દાવો કર્યો હતો કે અભ્યાસ કર્યા વગર હું કશું બોલતો નથી આમ છતાં મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું.
મળતી માહિતી મુજબ બુધવારે શિરડીમાં ચાલી રહેલી એનસીપીના કાર્યકર્તા માટેની અભ્યાસ શિબિરમાં જિતેન્દ્ર આવ્હાડે એવું નિવેદન કર્યું હતું કે ભગવાન શ્રીરામ માંસાહારી હતા, તેઓ બહુજન સમાજના હતા અને શિકારી હતા. અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બહુજન શબ્દનો અર્થ પરંપરાગત રીતે બિનબ્રાહ્મણ અને વંચિત વર્ગને સંબોધવા માટે વપરાય છે. તેઓ શિકાર કરીને ખાતા હતા, તેઓ આપણા બહુજન સમાજના હતા. તમે (ભાજપના સંદર્ભમાં) બધાને શાકાહારી બનાવવા માગો છો, પરંતુ અમે શ્રીરામનો આદર્શ લઈને માંસનું સેવન કરીએ છીએ. શ્રીરામે ૧૪ વર્ષ વનમાં વિતાવ્યા હતા અને તેઓ શાકાહારી નહોતા. વનમાં જે વ્યક્તિ ૧૪ વર્ષ વિતાવે તે શાકાહારી ભોજન ક્યાંથી લાવવાનો હતો? એવો સવાલ આવ્હાડે કર્યો હતો. આ પ્રસંગે શરદ પવાર મંચ પર હાજર હતા.
આવ્હાડના નિવેદન બાદ અજિત પવાર જૂથના નેતાઓએ આવ્હાડના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આનંદ પરાંજપેના નેતૃત્વ હેઠળ બુધવારે રાતે અને મહિલા આઘાડી દ્વારા ગુરુવારે બપોરે આવ્હાડના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. એનસીપીના અજિત પવાર જૂથ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે આવ્હાડ સામે ગુનો નોંધવામાં આવે.
હોબાળો થયા બાદ આવ્હાડે કહ્યું હતું કે મારું કામ ઈતિહાસને વિકૃત કરવાનું નથી. મેં કોઈપણ નિવેદન અભ્યાસ વગર કર્યું નથી, પરંતુ આજકાલ જ્ઞાનને બદલે લાગણીને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. મારી ટિપ્પણીથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું.
ભાજપના વિધાનસભ્ય રામ કદમે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપીને આવ્હાડ સામે હિંદુઓની લાગણી દુભવવા બદલ એફઆઈઆર નોંધવાની માગણી કરી હતી. તેમણે એવો સવાલ કર્યો હતો કે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષના એક નેતા દ્વારા કરોડો હિંદુઓની લાગણીને દુભવવામાં આવી છે ત્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મૌન છે.
એનસીપીના નેતાઓ અને આવ્હાડ સહન કરી શકતા નથી કે અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામનું ભવ્ય મંદિર ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે. તેઓ આવી ભાષા કેમ વાપરે છે, એમ રામ કદમે પૂછ્યું હતું.
હજી સુધી પોલીસ દ્વારા આવ્હાડ સામે ગુનો નોંધવામાં આવ્યો નથી. ઘાટકોપર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે અમને તેમની અરજી મળી છે. અમે આ મુદ્દે કાનૂની અભિપ્રાય મગાવી રહ્યા છીએ અને ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.
આવ્હાડ પોતાની પાર્ટીમાં પણ એકલા પડ્યા
એનસીપી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન શ્રી રામ માટે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ તેમની પાર્ટીમાં પણ એકલા પડી ગયા હોવાનું જણાઈ રહ્યું છે. તેમની પાર્ટીના નેતા જયંત પાટીલે આવ્હાડે શાકાહારી અને માંસાહારીનો વિવાદ કરવાની આવશ્યકતા નહોતી એવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ શરદ પવારના પૌત્ર અને વિધાનસભ્ય રોહિત પવારે પણ આવ્હાડની ટીકા કરી છે. તેમણે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે બિનજરૂરી નિવેદનો કરીને વિવાદ ઊભો કરવાની કોઈ આવશ્યકતાા
નહોતી. આને બદલે બેરોજગારી, કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિ, કૃષિ પેદાશોને યોગ્ય કિંમત ન મળવી, મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત જઈ રહ્યા છે જેવા મુદ્દાઓ પર નિવેદન કરવાની આવશ્યકતા છે. ઉ