મેટિની

મનોરંજનની માલગાડી ટ્રેલર ઓફ ૨૦૨૪

નયા નયા સાલ હૈ, નયા નયા માલ હૈ

શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા

તો નવા વર્ષની શરૂઆત થઈ પણ ગઈ. તારીખ લખવામાં ૨૦૨૪ના બદલે ૨૦૨૩ લખવાની હાથની ભૂલના દિવસોમાં પણ હાર્ટ તો નવા વર્ષે સુખ, શાંતિ, મનોરંજન અને તેની સાથે કલાપ્રેમ જ ઇચ્છતું હોય છે. સિનેપ્રેમી તરીકે વિશ્ર્વભરના રસ પેદા કરે એવા એમ તો ઘણા શીર્ષક આપણા માટે હોવાના જ, પણ એમાંથી પ્રથમ છ મહિનામાં રિલીઝ થનાર ભારતીય અને હોલીવૂડ ફિલ્મ્સની જુગુપ્સાપ્રેરક યાદી પર મીટ માંડીએ.

મેરી ક્રિસમસ (૧૨ જાન્યુઆરી)
આ રોમેન્ટિક થ્રિલરમાં ક્રિસમસની રાતે બે પાત્રોની પ્રથમ મુલાકાતમાં જ ઘટતી કોઈક નાટકીય ઘટના પર વાર્તા હશે એવું ટ્રેલર પરથી લાગે છે. ફિલ્મ હિન્દી અને તમિલ એમ બાઇલિંગ્યુઅલ શૂટ થઈ છે એટલું જ નહીં, આ પ્રયોગમાં બંને ભાષામાં સાથી કલાકારો પણ અલગ છે અને તેમના રોલ્સમાં પણ જેન્ડર રિવર્સલ છે.
ડિરેક્ટર: શ્રીરામ રાઘવન
કાસ્ટ: કેટરીના કૈફ, વિજય સેતુપતિ

ફાઈટર (૨૫ જાન્યુઆરી)
૨૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતની પહેલી આયોજિત એરિયલ એક્શન ફિલ્મ ફ્રેન્ચાઈઝ ગણાવાઈ રહી છે. મેકર્સનું કહેવું છે કે આવી એરિયલ એક્શનવાળી ફિલ્મ આજ સુધી ભારતમાં બની જ નથી. એર ફોર્સના મિશન પર આધારિત આ ફિલ્મ સાચે જ એટલી કમાલની છે કે કેમ એ થોડા જ દિવસમાં ખબર પડી જશે.
ડિરેક્ટર: સિદ્ધાર્થ આનંદ
કાસ્ટ: હ્યતિક રોશન, દીપિકા પદુકોણ, અનિલ કપૂર

મેડમ વેબ (૧૪ ફેબ્રુઆરી)
સુપરહીરો સ્પાઇડર-મેન અને તેના વાર્તાવિશ્ર્વનાં પાત્રો છે તો માર્વેલ સ્ટુડિયોઝનાં પણ અત્યારે તેના હક્કો સોની પાસે છે. એ ગૂંચવાડો જે હોય તે પણ માર્વેલ સિનેમેટિક યુનિવર્સના સ્પાઇડર-મેન ઉપરાંત સોનીએ પણ એ વિશ્ર્વના પાત્રોને લઈને સોનીસ સ્પાઈડર-મેન યુનિવર્સ બનાવ્યું છે જેમાં ‘વેનમ’ની બે ફિલ્મ્સ અને ‘મોર્બિયસ’ પછી આ ફિમેલ સુપરહીરો ફિલ્મનો ઉમેરો થઈ રહ્યો છે.
ડિરેક્ટર: એસ. જે. ક્લાર્કસન
કાસ્ટ: ડાકોટા જોન્સન, સિડની સ્વીની, સલેસ્ટ ઓકોનર

બોબ માર્લી: વન લવ (૧૪ ફેબ્રુઆરી)
લેજન્ડ જમૈકન સિંગર બોબ માર્લીની આ બાયોપિક ફિલ્મમાં બોબના સામાજિક અને રાજનૈતિક બાબતે પોતાનો અવાજ ઊઠાવવા માટે વિવાદોથી ઘેરાયેલા અને સંઘર્ષમય જીવનની વાત છે. રેગે પ્રકારના સંગીત માટે જાણીતા બોબ માર્લીની સફળતાથી લઈને મૃત્યુ સુધીના જીવનને દર્શાવતી આ ફિલ્મ ખૂબ જ મહત્વાકાંક્ષી જણાઈ રહી છે.
ડિરેક્ટર: રેનાલ્ડો માર્કસ ગ્રીન
કાસ્ટ: કિંગ્સલી બેન-અડીર, લશાના લિન્ચ, જેમ્સ નોર્ટન

લાપતા લેડીઝ (૧ માર્ચ)
ટીફ (ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ) ૨૦૨૩માં પ્રદર્શિત આ ફિલ્મ લગ્ન પછી તરત જ ગાયબ થઈ જતી પત્નીઓની ઘટના પર આધારિત છે. ૨૦૦૧ના સમયનો બેકડ્રોપ ધરાવતી આ કોમેડી ડ્રામા ફિલ્મનું એક મિનિટનું ટીઝર જ ખૂબ ઉત્સુકતા જગાવનારું છે.
ડિરેક્ટર: કિરણ રાવ
કાસ્ટ: સ્પર્શ શ્રીવાસ્તવ, દુર્ગેશ કુમાર, રવિ કિશન

ડ્યુન: પાર્ટ ટુ (૧ માર્ચ)
૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મની આ સિક્વલ છે. પ્રથમ ભાગને ૧૦ એકેડમી એવોર્ડ્ઝ નોમિનેશનમાંથી ૬માં જીત મળી હતી. એ મલ્ટીસ્ટારર સાયન્સ ફિક્શન ફિલ્મમાં એઆઈના પ્રભુત્વ પછીના એક કાલ્પનિક ગ્રહ અરાકીસના ભવિષ્યની વાત ખૂબ જ પ્રભાવશાળી વિઝ્યુઅલ્સ સાથે કહેવાઈ હતી. હવે બીજા ભાગનું ભવિષ્ય ૨૦૨૪ કહેશે!
ડિરેક્ટર: ડેનિસ વલનવ
કાસ્ટ: ટીમથી ચેલામેટ, રેબેકા ફર્ગ્યુસન, ઝેન્ડેયા

યોધ્ધા (૧૫ માર્ચ)
ઘણી વખત રિલીઝ ડેટ પાછળ ઠેલાયા પછી ફાઈનલી આ એક્શન થ્રિલર ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. એક પ્લેનના ક્રેશ લેન્ડિંગ સમયે એક જણનું સાહસ દર્શાવતી આ ફિલ્મમાં પણ હવાઈ એક્શન હોય એવું તેના પ્રોમો પરથી લાગી રહ્યું છે.
ડિરેક્ટર: સાગર આમ્બ્રે, પુષ્કર ઓઝા
કાસ્ટ: સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટ્ટણી, રાશિ ખન્ના

ગોડ્ઝીલા ડ્ઢ કોન્ગ: ધ ન્યુ એમ્પાયર (૧૨ એપ્રિલ)
ફિલ્મ જગતનું આ પણ એક યુનિવર્સ છે- મોન્સ્ટરવર્સ. તેમાં આ પહેલાં ચાર ફિલ્મ્સ અને બે ટેલિવિઝન સિરીઝ આવી ચૂકી છે. ગોડ્ઝીલા અને કિંગ કોન્ગની ફિલ્મ્સનો ઇતિહાસ એમ તો છેક ૧૯૩૩ સુધી જાય છે અને અત્યાર સુધીમાં ૫૦થી વધુ ફિલ્મ્સ આવી ચૂકી છે. નવી ફિલ્મનો ક્રેઝ પણ ચોક્કસ જ હોવાનો.
ડિરેક્ટર: એડમ વિન્ગાર્ડ
કાસ્ટ: રેબેકા હોલ, બ્રાયન ટાયરી હેન્રી, દેન સ્ટીવન્સ

ઇફ (૧૭ મે)
અતિ ભિન્ન પ્રકારની વિષયવસ્તુ અને વિઝ્યુઅલ્સ ધરાવતી આ લાઈવ એક્શન અને એનિમેશનનું મિશ્રણ ધરાવતી ફિલ્મ ફેન્ટસી કોમેડી જોનરમાં સ્થાન પામે છે. તેમાં એક નાની બાળકી અને તેના પાડોશી યુવાનને અચાનક લોકોના બચપણના કાલ્પનિક મિત્રો દેખાવાની શક્તિ મળી જાય છે. અને એમાંથી સર્જાય છે એક રમૂજી કાલ્પનિક વિશ્ર્વ!
ડિરેક્ટર: જ્હોન ક્રેસિન્સ્કી
કાસ્ટ: રાયન રેનોલ્ડ્સ, કેઈલી ફ્લેમિંગ, જ્હોન ક્રેસિન્સ્કી

ફ્યૂરિયોસા:
અ મેડ મેક્સ સાગા (૨૪ મે)
હોલીવૂડમાં વિશ્ર્વની તબાહી પછીના અંધાધૂંધીવાળા એક નવા જ વિશ્ર્વની વાર્તાઓ પરથી ખૂબ ફિલ્મ્સ બને છે. એમાંની જ એક સફળ ફ્રેન્ચાઈઝ એટલે મેડ મેક્સ. ૨૦૧૫માં આવેલી ‘મેડ મેક્સ: ફ્યુરી રોડ’ની આ પ્રિક્વલ પણ તેના જેવી જ અજીબ મનોરંજન ધરાવતી હશે એવું લાગે છે.
ડિરેક્ટર: જ્યોર્જ મિલર
કાસ્ટ: આન્યા ટેલર-જોય, ક્રિસ હેમ્સવર્થ, ટોમ બર્ક

ચંદુ ચેમ્પિયન (૧૪ જૂન)
મુરલીકાન્ત પેટકર. આ નામ વિશે ખબર છે કંઈ? એક આર્મી જવાન કે જેને આર્મી બેઝમાં એક હુમલામાં ૯ ગોળીઓ વાગે છે અને શરીર અપંગ બની જાય છે. પણ જીવનથી હાર ન માનીને તેઓ રમતનો સહારો લે છે અને બને છે ભારતના પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા. બસ તેમના જ ગજબનાક પ્રેરણાદાયી જીવન આધારિત છે આ ફિલ્મ!
ડિરેક્ટર: કબીર ખાન
કાસ્ટ: કાર્તિક આર્યન, કેટરીના કૈફ, શ્રદ્ધા કપૂર
શરૂમાં કહ્યું એમ રસપ્રદ ફિલ્મ્સ તો ઘણી જ હોવાની પણ દરેક વિશે વિગતે વાત કરવી શક્ય નથી.
તો આપણે બીજી મજેદાર ફિલ્મ્સની યાદી બનાવીને તેની નોંધ લઈએ.

ભારતીય ફિલ્મ્સ
દિબાકર બેનર્જીની એન્થોલોજી ફાઉન્ડ ફૂટેજ ડ્રામાની સિક્વલ લવ સેક્સ ઔર ધોખા ૨’, વિદ્યુત જામવાલની સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ ‘ક્રેક’, અનુરાગ બાસુની મલ્ટીસ્ટારર ‘મેટ્રો ઈન દીનો’, અક્ષય કુમાર-ટાઇગર શ્રોફની એક્શન ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’, નીરજ પાંડેની અજય દેવગણ અભિનીત ‘ઔરોં મેં કહાઁ દમ થા’.

અમેરિકન ફિલ્મ્સ
જેસન સ્ટેથમની એક્શન થ્રિલર ‘ધ બીકીપર’, એડમ સેન્ડલર અભિનીત સાયન્સ ફિક્શન ‘સ્પેસમેન’, ક્રિસ્ટન સ્ટુઅર્ટ સ્ટારર રોમાન્ટિક થ્રિલર ‘લવ લાઇઝ બ્લીડીંગ’, ૧૯૮૯ની એક્શન ફિલ્મની રીમેક ‘રોડ હાઉસ’, ઘોસ્ટબસ્ટર્સ ફ્રેન્ચાઈઝ્ની પાંચમી ફિલ્મ ‘ઘોસ્ટબસ્ટર્સ: ‘ફ્રોઝન એમ્પાયર’, ‘ઓસ્કર’ વિનિંગ ‘પેરેસાઇટ’ના દિગ્દર્શક બોન્ગ જૂન-હોની આગામી ફિલ્મ ‘મિકી ૧૭’, રાયન ગોસલિંગ-એમિલી બ્લન્ટની એક્શન કોમેડી ‘ધ ફોલ ગાય’, પ્લેનેટ ઓફ ધ એપ્સ ફ્રેન્ચાઈઝ્ની ચોથી ફિલ્મ ‘કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સ’. ઉ

લાસ્ટ શોટ
વેબ શોઝની દુનિયામાં રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સના ‘ઇન્ડિયન પુલીસ ફોર્સ’, સંજય લીલા ભણસાલીના ‘હીરામંડી’ અને રાજ-ડીકે દિગ્દર્શિત ‘ઇન્ડિયન સિટાડેલ’ શોઝની પણ રાહ જોવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button