સ્પોર્ટસ

કેપ ટાઉનમાં ભારત 32 વર્ષે પહેલી વાર ટેસ્ટ જીત્યું : સૌથી ટૂંકી ટેસ્ટમાં રોહિતની ટીમે રચ્યો નવો ઇતિહાસ

642 બૉલમાં મૅચ થઈ પૂરી : 92 વર્ષ જૂનો વિશ્ર્વવિક્રમ તૂટ્યો

કેપ ટાઉન : ભારતીય ક્રિકેટરો સાઉથ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ સિરીઝ નથી જીતી શક્યા અને આ વખતે જીતવાની તક પણ તેમણે ગુમાવી, પરંતુ કેપ ટાઉનમાં કદી ટેસ્ટ-મૅચ ન જીતી શકવાનું મહેણું ભારતીય ટીમે આ વખતે ભાંગ્યું. બીજા દિવસે ભારતને જીતવા માત્ર 79 રનનો નાનો ટાર્ગેટ મળ્યો હતો જે એણે ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો અને એ સાથે કેપ ટાઉનમાં પહેલી વાર ટેસ્ટ જીતવા મળેલા અવસરમાં સફળતા મેળવી.

147 વર્ષના ટેસ્ટ-ઇતિહાસમાં આ સૌથી ટૂંકી ટેસ્ટ હતી. ફક્ત 642 બૉલમાં ટેસ્ટનું પરિણામ આવી ગયું હતું. આ પહેલાં 1932માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ 656 બૉલમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ ભારત-સાઉથ આફ્રિકાની આ ટેસ્ટ મૅચે 92 વર્ષ જૂનો એ રેકૉર્ડ તોડી નાખ્યો છે.


મોહમ્મદ સિરાજને મૅન ઑફ ધ મૅચનો અને જસપ્રીત બુમરાહને મૅન ઑૅફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો. યજમાન ટીમના કૅપ્ટન ડીન એલ્ગરે પરાજય સાથે ટેસ્ટ-કરીઅરની અલવિદા કરી હતી.


સાઉથ આફ્રિકાએ 1992માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુન:પ્રવેશ કર્યો ત્યાર પછીના 32 વર્ષમાં ક્યારેય કોઈ ભારતીય ટીમ કેપ ટાઉનમાં ટેસ્ટ-મૅચ નહોતી જીતી શકી, પરંતુ આ વખતે દોઢ દિવસમાં જીતી બતાડ્યું. બુધવારના આખા દિવસમાં 23 વિકેટ પડ્યા પછી બીજા દિવસે 10 વિકેટ પડી હતી. આમ દોઢ દિવસમાં કુલ લગભગ 108 ઓવરમાં કુલ 33 વિકેટ પડી હતી.


ભારતને જીતવા માટે 79 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ભારતે 3 વિકેટના ભોગે જે 80 રન બનાવ્યા એમાં યશસ્વી જયસ્વાલના 28 રન હાઇએસ્ટ હતા જે તેણે 23 બૉલમાં છ ફોરની મદદથી બનાવ્યા હતા. શુભમન ગિલ ફરી એકવાર ફ્લૉપ ગયો અને 10 રનમાં આઉટ થઈ ગયો હતો, જ્યારે બુધવારના નાટ્યાત્મક પ્રથમ દાવમાં સૌથી વધુ 46 રન બનાવનાર વિરાટ કોહલી 12 રને વિકેટ ગુમાવી બેઠો હતો.


રોહિત શર્મા 16 રને અને શ્રેયસ ઐયર 4 રને અણનમ રહ્યો હતો. ભારતને 10 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. રબાડા, બર્ગર અને યેનસેને એક-એક વિકેટ લીધી હતી. આખી ટેસ્ટમાં સ્પિનરનો ઉપયોગ જ નહોતો કરવામાં આવ્યો. 33માંથી 32 વિકેટ પેસ બોલરોએ લીધી હતી અને એક બૅટર રનઆઉટ થયો હતો. ઐયરે યેનસેનની ઓવરના આખરી બૉલમાં વિજયી-ફોર ફટકારી હતી.

બુધવારના પ્રથમ દિવસે યજમાન ટીમનો ફક્ત પંચાવન રનમાં વીંટો વળી ગયો ત્યારે લાગતું હતું કે રોહિત શર્માની ટીમ એક દાવથી જીતી શકે એમ છે, પરંતુ ભારતીયો એ પહેલા દાવમાં ‘શરૂઆતમાં શૂરા’ લાગ્યા હતા, પણ ચોથી વિકેટથી સાવ નબળા સાબિત થયા હતા. એટલી હદે નબળા કે 153 રનના સ્કોર પર આપણી ટીમે ઉપરાઉપરી છ વિકેટ ગુમાવી હતી અને નવો અનિચ્છનીય વિશ્ર્વવિક્રમ રચી નાખ્યો હતો.


ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 98 રનની બહુમૂલ્ય સરસાઈ લીધી અને બીજા દાવમાં પણ સાઉથ આફ્રિકાની ટીમે ધબડકો જોવો પડ્યો અને આખી ટીમ 176 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. 103 બૉલમાં બે સિક્સર અને સત્તર ફોરની મદદથી 106 રન બનાવનાર ઓપનર એઇડન માર્કરમ જો મોટી ઇનિંગ્સ ન રમ્યો હોત તો ભારતે એક દાવથી જ વિજય મેળવી લીધો હોત. પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજે છ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો તો બીજા દાવમાં એ ભૂમિકા જસપ્રીત બુમરાહે ભજવી હતી. તેણે 13.5 ઓવરમાં 61 રનમાં છ વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારને બે તથા સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને એક-એક વિકેટ મળી હતી.


162 રને માર્કરમે અને એ જ સ્કોર પર કૅગિસો રબાડાએ વિકેટ ગુમાવી ત્યાર પછી નાન્ડ્રે બર્ગર (6 અણનમ) અને લુન્ગી ઍન્ગિડી (8 રન)ની જોડીએ ભારતીય બોલરોનો પ્રતિકાર કર્યો હતો, પરંતુ પાંચેક ઓવર સુધી બન્નેએ સ્કોરને આગળ ધપાવવા મથામણ કર્યા બાદ યજમાન ટીમની 37મી ઓવરમાં બુમરાહ ફરી ત્રાટક્યો હતો અને થર્ડ સ્લિપમાં ઍન્ગિડીને કૅચઆઉટ કરાવી દીધો હતો. વિકેટકીપર કેએલ રાહુલે પ્રથમ દાવમાં બે કૅચ પકડ્યા બાદ બીજા દાવમાં ત્રણ કૅચ ઝીલ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત