રામ દરબારની આ ઐતિહાસિક કૃતિ જોઈ?
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દરેક રામભકતોમાં અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહની અભિવ્યક્તિ પણ તેઓ અલગ અલગ રીતે કરી રહ્યા છે. ત્યારે કચ્છની પ્રાચીન કળા રોગાન કળા કે જેમાં આજ સુધી માત્ર ટ્રી ઓફ લાઇફ અને જુદી જુદી ડિઝાઇન જ થતી હતી તેમાં માધાપરના રોગાન કારીગર આશિષભાઇ દ્વારા પ્રથમવાર રામ દરબારની કૃતિ તૈયાર કરવામાં આવી છે જે રોગાન કળાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી કોઈ કૃતિ તૈયાર કરવામાં આવી છે.
કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક રોગાન કળા છે. ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે.માધાપરના રોગાન કળાના એક યુવાન કારીગર આશિષ કંસારાએ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંભિત કરી મુક્યા છે.
કચ્છના એક માત્ર રોગાન કારીગર કે જે દેવી દેવતાના ચિત્રો કંડારે છે
ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી આશિષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણથી આ રોગાન કળા અંગેનું જ્ઞાન મેળવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી આશિષભાઈએ રોગાન તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી પોટ્રેટ અને ભગવાનના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે.