વર્ષની પહેલી એકાદશી ક્યારે અને કેવી રીતે કરશો…..
એકાદશીના વ્રતને સૌથી શુભ વ્રતમાં માનવામાં આવે છે. નવા વર્ષની પ્રથમ એકાદશી સફલા એકાદશીનું વ્રત 7 જાન્યુઆરી 2024ના રોજ આવે છે. પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી તેના નામ પ્રમાણએ તમારા તમામ કાર્યોને સફળ બનાવે છે. પંચાંગ મુજબ, પૌષ મહિનાની પહેલી એકદશી તારીખ 7 જાન્યુઆરીની રાતે 12 વાગીને 41 મિનિટથી શરૂ થશે અને 8 જાન્યુઆરીએ રાત્રે 12 વાગીને 46 મિનિટે પૂરી થશે.
આ વ્રત કરવાથી નોકરી, વેપાર અને શિક્ષણ સંબંધિત ક્ષેત્રોમાં સફળતા મળે છે. સફલા એકાદશીનું વ્રત કથા વિના અધૂરું ગણાય છે, આથી આજે તમને સફલા એકાદશીના વ્રતના મહત્વની સાથે સાથે સફલા એકાદશીની કથા વિશે પણ જણાવીએ.
પૌરાણિક કથાઓ અનુસાર, પ્રાચીન સમયમાં મહિષમાન નામનો રાજા ચંપાવતી નગરીમાં પોતાના ચાર પુત્રો સાથે રહેતો હતો. લંપક નામનો તેનો મોટો પુત્ર પાપી અને દુષ્ટ આત્મા હતો. તે હંમેશા દુષ્કર્મો કરતો રહેતો અને દેવી-દેવતાઓની બદનામી કરતો હતો. એક દિવસ રાજાએ ગુસ્સામાં પોતાના પુત્રને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યારબાદ લંપક જંગલમાં રહીને માંસાહારી ખોરાક ખાઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ત્યારે એકવાર કડકડતી ઠંડીને કારણે લંપક રાત્રે સૂઈ શક્યો નહીં. તે આખી રાત ઠંડીમાં સવારથી કંઈ જ જમવાનું ન મળતાં તે ભૂખ અને તરસને કારણે ધ્રૂજતો રહ્યો અને તેના કારણે તે બેભાન થઈ ગયો હતો. તે દિવસે પૌષ માસના કૃષ્ણ પક્ષની દસમી તિથિ હતી. બીજા દિવસે જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે પોતાના પાપોનો પસ્તાવો કર્યો અને જંગલમાંથી કેટલાક ફળો એકઠા કરીને પીપળના ઝાડ પાસે રાખ્યા અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. આ ઠંડી રાત્રે પણ તે ઊંઘી શક્યો નહીં, તે જાગતો રહ્યો અને શ્રી હરિની પૂજામાં વ્યસ્ત રહ્યો. આવી સ્થિતિમાં તેણે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું.
સફલા એકાદશી વ્રતના મહિમાને કારણે ભગવાન વિષ્ણુએ તેને તમામ પાપોમાંથી મુક્ત કર્યો અને તે ફરીથી કેના પિતા સાથે રાજ્યમાં રહેવા લાગ્યો હતો. બધું જાણ્યા પછી પિતાએ રાજ્યની જવાબદારી પણ પુત્ર લંપકને સોંપી અને હરિ ભજન કરવા જંગલમાં ચાલ્યા ગયા. લંપકે વૃદ્ધાવસ્થા સુધી શાસ્ત્રો અનુસાર શાસન કર્યું અને અંતે વનમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી અને એકાદશીનું વ્રત કરીને મોક્ષ મેળવ્યો. અને ત્યારથી એવું કહેવામાં આવે છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે.