આપણું ગુજરાત

Aviation: દિલ્હીથી વડોદરા આવનારી ફ્લાઈટ એક બે નહીં છ કલાક મોડી પડી ને…

અમદાવાદઃ હવાઈ મુસાફરી એટલા માટે કરવામા આવે છે કે જે તે સ્થળે સમયસર પહોંચી શકાય. સમયના અભાવે જ લોકો આટલી મોટી રકમ ખર્ચી પ્લેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે જો પ્લાઈટ નિયત સમય કરતા છ છ કલાક મોડી ઉપડે તો મુસાફરો ગુસ્સે ભરાઈ અને તેમના કામ રઝડી પડે. આવી હાલત આજે દિલ્હીથી વડોદરા આવતા પ્રવાસીની થઈ હતી.

દિલ્લી થી વડોદરાની આજે વહેલી સવારે 4:30 ની ફ્લાઈટ છ કલાક બાદ પણ નહીં ઉપાડતા મુસાફરો ગુસ્સે ભરાયા હતા જોકે તેમણે ગુસ્સો વ્યક્ત કરવા રામધૂન કરી હતી. એર ઇન્ડિયાની આ ફ્લાઈટ છ કલાક બાદ પણ નહીં ઉપાડવા છતાં એર ઇન્ડિયાના સ્ટાફ દ્વારા મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ મુસાફરોએ કર્યો છે.


મળતી માહિતી અનુસાર સવારે 4:30 ની ફ્લાઈટ હોવાથી મુસાફરો દિલ્હી એરપોર્ટ પર રાતના બે વાગ્યાના પહોંચી ગયા હતા. જોકે ફ્લાઈટનો સમય થતાં જ એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટને રીસીડ્યુલ કરવામાં આવી હતી. માહિતી ન મળતા મુસાફરો કાઉન્ટર ઉપર તપાસ કરવા ગયા હતા. જેમાં તેમને ધુમ્મસને લીધે વિઝિબિલિટીનું કારણ જણાવવામાં આવ્યું હતું તો અમુક સમયે પાયલટ હજુ હાજર ન થયો હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.


એક બે કલાક ઠીક છે પણ પછી લાંબો સમય સુધી પ્લેન ઉપડવાના કોઈ અણસાર ન દેખાયા અને સંતોષકારક જવાબ પણ ન મળ્યો હોવાથી મુસાફરો અકળાયા હતા અને તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. આ આ બધા વચ્ચે જ્યારે જવાબ તો ન મળ્યો પણ કથિત ઉદ્ધતાઈ કરવામા આવી ત્યારે લગભગ સો જેટલા મુસાફરોએ રામધૂન કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ વચ્ચે એક કરૂણ ઘટના પણ જાણવા મળી હતી.

અહીં એક મુસાફર અમેરિકાથી આવ્યો હતો અને વડોદરા જવાની ફ્લાઈટ બુક કરાવી હતી. આ યુવાન તેની માતાના મૃત્યુ બાદ અંતિમ વિધિ માટે જઈ રહ્યો હોય ફ્લાઈટ મોડી પડતા તે રડવા જેવી હાલતમાં આવી ગયો હતો.
દિલ્હી સહિતના ઘણા વિસ્તારોમાં ધુમ્મસને કારણે ફ્લાઈટ મોડી થાય છે, પરંતુ છ કલાકનું મોડું કોઈ મુસાફર માટે મોટી મુસીબત બની જતું હોય છે.


લગભગ ચારેક દિવસ પહેલા દિલ્હીથી વડોદરા આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટનો પાયલોટ ડ્યુટી અવર્સ પૂરા થઈ ગયા છે તેમ કહીને ફ્લાઇટને પરત લઈ જવા માટે ના પાડી દેતા મુસાફરો અટવાઈ ગયા હતા અને વડોદરા એરપોર્ટ પર પ્રવાસીઓ રઝડી પડ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. આ અંગે એર ઈન્ડિયા સાથે વાતચીત થઈ શકી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button