મક્કામાં મળી આવ્યો સોનાનો વિપુલ ભંડાર, સાઉદી અરેબિયા થશે માલામાલ
ઇસ્લામ ધર્મના પવિત્ર શહેર સાઉદી અરેબિયાના મક્કામાં સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદીએ તાજેતરમાં જ આની જાહેરાત કરી છે. સાઉદી અધિકારીઓએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે સોનાનો ભંડાર મક્કા ક્ષેત્રના અલ ખુર્મા ગવર્નરેટમાં મન્સૌરાહ મસારા સોનાની ખાણથી 100 કિમી દક્ષિણમાં મળી આવ્યો છે.
સાઉદી અરેબિયન માઇનિંગ કંપની (MAADEN-માડેન) એ કહ્યું છે કે આ વિસ્તારમાં સોનાના ઘણા ભંડાર મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં ખાણકામની શક્યતા છે. MAADEN કંપનીએ વર્ષ 2022માં સોનાની શોધ માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો હતો અને આ તેની પ્રારંભિક સફળતા છે. હવે મન્સુરહ મસારા નજીક સોનાના ભંડારની શોધને ધ્યાનમાં રાખીને, MAADENએ વર્ષ 2024 માં તેની આસપાસના વિસ્તારોમાં ડ્રિલિંગ કાર્યને વધુ વેગ આપવાનું આયોજન કર્યું છે.
MAADEN મન્સૌરાહ મસારા ખાણનું પણ સંચાલન કરે છે, તેમજ ખાણની ઉત્તરે 25 કિમી દૂર જબલ અલ-ગદ્રા અને બીર અલ-તવિલામાં ડ્રિલિંગ કામગીરી કરે છે. આ વિસ્તારમાં ખોદકામ કરવાથી સકારાત્મક પરિણામો મળ્યા છે અને 125 કિલોમીટરના અંતરમાં સોના માટે ખોદકામ કરી શકાય તેવી શક્યતા છે. જો આમ થશે તો સાઉદી અરેબિયામાં વર્લ્ડ ક્લાસ ગોલ્ડ બેલ્ટ તૈયાર થશે. 2023 ના અંત સુધીમાં, મન્સૌરાહ મસારામાંથી અંદાજે 7 મિલિયન ઔંસના સોનાના અંશો કાઢવામાં આવ્યા હતા. મન્સૌરાહ મસારા પ્રતિ વર્ષ 250,000 ઔંસની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
એન્ટાર્કટિકા સિવાય વિશ્વમાં દરેક જગ્યાએ થોડું સોનું મળી આવે છે. જોકે, દુનિયામાં મોટા ભાગના સોનાનું ઉત્પાદન ચીનમાં થાય છે. વર્ષ 2022 ના ડેટા અનુસાર, ચીન વિશ્વનો સૌથી મોટો સોનું ઉત્પાદક દેશ છે જે વૈશ્વિક સોનાના ઉત્પાદનના 10% ઉત્પાદન કરે છે. 2022માં ચીને 375 ટન સોનાનું ઉત્પાદન કર્યું હતું. ચીન પછી સૌથી વધુ સોનાનું ઉત્પાદન રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને ઘાના જેવા દેશોમાં થાય છે.