મુંબઇનો આ સ્વિમિંગ પુલ બન્યો આરોગ્ય માટે હાનિકારક: વધુ પડતા ક્લોરિનને કારણે વધ્યું જોખમ
મુંબઇ: દાદરમાં આવેલા મહાત્મા ગાંધી સ્વિમિંગ પૂલની હાલત ખરાબ થઇ ગઇ છે. હવે આ સ્વિમિંગ પૂલમાં તરવું જોખમી બની રહ્યું છે. આ સ્વિમિંગ પૂલમાં થઇ રહેલાં વધુ પડતાં ક્લોરિનના ઉપયોગને કારણે ઘણાં લોકોને દાંતની તકલીફ થઇ રહી છે. દાંતોમાં અચાનક ઘસારો વધી ગયો હોવાની ફરિયાદ આવી રહી છે. ઘણાંના દાંત પડી ગયા હોવાની પણ ફરિયાદ આવી છે. ઘણાંના શરીર પર ફોલ્લી અને રેશીસ થઇ રહ્યાં છે. આ બધી તકલીફોને કારણે લગભગ 150 જેટલાં સભ્યોએ સ્વિમિંગ પૂલની ઓફીસ પાસે દેખાવ કર્યો હતો. આ અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરતાં પાણીની ગુણવત્તા ખરાબ હોવાની વાત જાણવા મળી હતી.
આ સ્વિમિંગ પૂલ ઓલિમ્પિક્સ સ્તરનો હોવાથી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે રમનારા અનેક નામાંકિત સ્વિમર અહીં પ્રેક્ટીસ માટે આવતાં હોય છે. જોકે પાછલાં કેટલાંક મહિનાઓથી પાણીની ખરાબ ગુણવત્તા અંગે ફરિયાદો આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અહીં નેશનલ લેવલના કોચ દ્વારા નેશનલ્સ રમવા જનારા લોકોને ટ્રેનીંગ આપવામાં આવે છે.
વોટર પોલોની ટીમ પણ અહીં પ્રેક્ટીસ માટે આવે છે. અહીં ટ્રેનીંગ લીધા બાદ અનેક લોકોએ રાષ્ટ્રીયસ્તરે નામના મેળવી છે. કેટલાંક લોકો તો પાંચ પાંચ કલાક સુધી પ્રેક્ટીસ કરતાં હોય છે. પણ હવે તેમીન પ્રેક્ટીસ જ જોખમમાં છે. અહીં પ્રેક્ટીસ માટે આવનાર 18 વર્ષના યુવકના બધા જ દાંત ક્લોરિનને કારણે ખરાબ થયા હોવાની તેની ફરિયાદ છે. દાંતની સારવાર માટે તેને અઢી લાખ રુપિયાનો ખર્ચ થયો છે. ક્લોરિનને કારણે દાંત પર બેસાડવામાં આવેલ ટૂથ ગાર્ડનો આકાર બદલાઇ રહ્યો હોવાની, ગોગલ્સ પહેર્યા વગર સ્વિમિંગ કરવાથી આંખોમાં બળતરા અને ખંજવાળ જેવી ફરિયાદો આવી રહી છે. ઘણાં લોકોને તો ડોક્ટર્સે સ્વિમિંગ કરવાની ના પાડી દીધી છે.