ફેડરલ દ્વારા વ્યાજદરમાં વહેલા કપાતની શક્યતા ધૂંધળી બનતા વિશ્ર્વ બજાર પાછળ આઈટી શૅરો અને એચડીએફસીમાં વ્યાપક વેચવાલીએ સેન્સેક્સમાં ૫૩૫ પૉઈન્ટનું ગાબડું
મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવની માઠી અસર વૈશ્ર્વિક અર્થતંત્રો પર પડવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ શક્યત: વહેલાસર વ્યાજદરમાં કપાતની શરૂઆત ન કરે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિ વિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે સાવચેતીનો અભિગમ અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ સાથે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ જોવા મળતાં સ્થાનિકમાં પણ ખાસ કરીને આઈટી શૅરોમાં તેમ જ એચડીએફસી બૅન્ક સહિતનાં ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલીના દબાણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૫૩૫. ૫૧ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૧૪૮.૪૫ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૬૬.૩૪ કરોડની અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૬૨.૯૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૧,૮૯૨.૪૮ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૭૧,૮૩૨.૬૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૧,૩૦૩.૯૭ અને ઉપરમાં ૭૧,૮૬૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૭૫ ટકા અથવા તો ૫૩૫.૮૮ પૉઈન્ટના ઘટાડા સાથે ૭૧,૮૯૨.૪૮ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૬૬૫.૮૦ના બંધ સામે ૨૧,૬૬૧.૧૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૧,૫૦૦.૩૫થી ૨૧,૬૭૭ની રેન્જમાં અથડાઈને અંતે ૦.૬૯ ટકા અથવા તો ૧૪૮.૪૫ પૉઈન્ટના ઘટાડા સાથે ૨૧,૫૧૭.૩૫ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે આજે વૈશ્ર્વિક બજારોના નિરુત્સાહી અહેવાલો, ચીન અને યુરોઝોનનાં ઉત્પાદનના નિરસ ડેટા એ બજારમાં વૈશ્ર્વિક મંદીની ચિંતા ઊભી થઈ હતી. ફેડરલની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની જાહેરાત પૂર્વે રોકાણકારોનાં સાવચેતીના વલણ ઉપરાંત સ્થાનિક સ્તરે તેજી માટેના નક્કર પરિબળોનો અભાવ રહેતાં ઘટતી બજારને ઢાળ મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં ગત ડિસેમ્બર મહિનાનો ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ આંક નવેમ્બર મહિનાના ૫૬ સામે ઘટીને ૧૮ મહિનાની નીચી ૫૪.૯ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ હતા.
આજે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૧૮ શૅરના ભાવ વધીને અને ૩૨ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૦ શૅરના ભાવ વધીને અને ૨૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે બીએસઈ ખાતે મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૬૯ ટકાનો વધારો ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે આઈટીસીમાં ૧.૫૨ ટકાનો, ભારતી એરટેલમાં ૧.૧૫ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૬૮ ટકાનો, એક્સિસ બૅન્કમાં ૦.૬૫ ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૨૨ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૩.૭૬ ટકાનો ઘટાડો જેએસડબ્લ્યુ સ્ટીલમાં નોંધાયો હતો. ત્યાર બાદ અનુક્રમે ટાટા સ્ટીલમાં ૩.૦૫ ટકાનો, ઈન્ફોસિસમાં ૨.૯૨ ટકાનો, વિપ્રોમાં ૨.૮૨ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૨.૬૪ ટકાનો અને ટીસીએસમાં ૨.૪૨ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સૌથી વધુ ૩.૦૫ ટકાનો ઘટાડો બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે મેટલ ઈન્ડેક્સમાં ૨.૪૪ ટકા, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકા, આઈટી ઈન્ડેક્સમાં ૨.૩૧ ટકા, ટૅકનોલૉજી ઈન્ડેક્સમાં ૧.૭૮ ટકા અને ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે બીએસઈ યુટિલિટી ઈન્ડેક્સમાં ૧.૭૮ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૧.૩૯ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સમાં ૧.૩૬ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૧.૩૩ ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૦.૯૯ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૯૭ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૩૦ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૨૦ ટકાનો સુધારો આવ્યો હતો. આજે એશિયન બજારોમાં સિઉલ અને હૉંગકૉંગની બજાર નરમાઈના ટોને અને શાંઘાઈની બજાર સુધારા સાથે બંધ રહી હતી. તેમ જ યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ રહ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫૫ ટકા ઘટીને બેરલદીઠ ૭૫.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.