ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર દીકરીઓ સાથે મેદાનમાં ઊતર્યો, ચાહકો ભાવુક થઇ ગયા
સિડની: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચ બાદ વોર્નર ફરી ક્યારેય સફેદ જર્સીમાં જોવા નહીં મળે.
તેની ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરની મેદાનમાં એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા. મેચ શરૂ થતા પહેલા જ્યારે ડેવિડ વોર્નર રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યો ત્યારે તેની સાથે તેની ત્રણ દીકરીઓ હાજર હતી. આ જોઈને આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર દર્શકો ઉપરાંત ક્રિકેટરો અને કોમેન્ટેટરો સુધી બધાએ તેને તાળીઓથી વધાવી લીધો.
ડેવિડ વોર્નરે ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા સામેની ટવેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં તેને પ્લેઈંગ-૧૧માં પહેલીવાર સ્થાન મળ્યું હતું. પોતાની પહેલી જ મેચમાં તેણે ૪૩ બોલમાં ૮૯ રન બનાવીને ધૂમ મચાવી દીધી હતી. ત્યારથી, તેની ૧૪ વર્ષની કારકિર્દીમાં, તેણે ટવેન્ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણી પ્રભાવશાળી ઇનિંગ્સ રમી છે.
ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે એક શાનદાર ઓપનર બેટ્સમેન સાબિત થયો હતો. તેણે છેલ્લાં ૧૩ વર્ષમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે અન્ય કોઈ ટીમના ઓપનિંગ બેટ્સમેન કરતા વધુ સદીઓ ફટકારી છે.
ડેવિડ વોર્નરે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૧૧૧ મેચ રમી છે. જેમાં તેણે ૪૪.૫૮ની એવરેજ સાથે કુલ ૮૬૯૫ રન બનાવ્યા. આ દરમિયાન તેણે ૨૬ સદી અને ૩૬ અડધી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૩૩૫ રન છે. વોર્નરે વન-ડે અને ટવેન્ટી-૨૦માં પણ સારું પ્રદર્શન કર્યું છે. વોર્નરે ૧૬૧ વનડેમાં ૪૫.૩૦ની એવરેજથી ૬૯૩૨ રન અને ૯૯ ટી-૨૦ મેચમાં ૩૨.૮૮ની એવરેજથી ૨૮૯૪ રન બનાવ્યા છે.