કેપ ટાઉન : ભારતે અહીં સિરીઝની બીજી અને નિર્ણાયક ટેસ્ટના પહેલા દિવસે યજમાન સાઉથ આફ્રિકાને પંચાવન રનમાં ઑલઆઉટ કરી નાખ્યું ત્યારે ભારતીય ટીમ અને કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓના આનંદનો પાર નહોતો. જોકે ત્યાર પછી જે બન્યું એનાથી ભારતીય ટીમે પોરસાવા જેવું તો ખરું, પણ સાથે-સાથે નામોશી પણ થઈ.
સાઉથ આફ્રિકાની ટીમ પંચાવન રનના સ્કોર પર ઑલઆઉટ થયું એ ભારત સામેનો સાઉથ આફ્રિકાનો લોએસ્ટ સ્કોર છે જ, આ પહેલાં ભારત સામે ક્યારેય કોઈ ટીમ આટલા નીચા સ્કોર પર આઉટ નહોતી થઈ.
મુખ્ય વાત એ છે કે ટેસ્ટની પહેલી બે ઇનિંગ્સ સૌથી ઓછા બૉલમાં પૂરી થઈ ગઈ હોય એમાં વર્તમાન ટેસ્ટની પ્રથમ બે ઇનિંગ્સ બીજા નંબરે છે. સાઉથ આફ્રિકાનો દાવ પૂરો થયા પછી ભારતનો પણ દાવ પૂરો થઈ ગયો એટલે કુલ મળીને 349 બૉલમાં આ બે ઇનિંગ્સ સમાપ્ત થઈ. 1902ની સાલમાં (122 વર્ષ પહેલાં) મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટના પહેલા બે દાવ માત્ર 287 બૉલમાં પૂરા થઈ ગયા હતા અને એ વિશ્ર્વવિક્રમ છે.
બુધવારે સાઉથ આફ્રિકાનો દાવ પંચાવન રનમાં પૂરો થયા પછી ભારતે સારી લડત આપવાની શરૂઆત કરી હતી, પરંતુ ટીમનો સ્કોર 153 રન હતો અને ત્યારે વિકેટ માત્ર 4 પડી હતી એ તબક્કે (153 રનના એ જ સ્કોર પર) એક પછી એક વિકેટ પડવાની શરૂ થઈ અને જોતજોતામાં ભારતનો સ્કોર એ જ સ્કોર પર (153 રને) સમેટાઈ ગયો હતો. એક જ ટીમ-સ્કોર પર છ વિકેટ પડી હોય એવું પહેલી જ વાર બન્યું છે.
11 બૉલમાં છેલ્લી 6 વિકેટ પડી ગઈ હતી. એમાં ટીમના ટૉપ-સ્કોરર વિરાટ કોહલી (59 બૉલમાં 46 રન)પણ સામેલ હતો.
ભારતની 10 વિકેટમાંથી 6 બૅટર ઝીરોમાં આઉટ થયા હતા : યશસ્વી જયસ્વાલ-0, શ્રેયસ ઐયર-0, રવીન્દ્ર જાડેજા-0, જસપ્રીત બુમરાહ-0, મોહમ્મદ સિરાજ-0 અને પ્રસિદ્ધ ક્રિષ્ના-0. મુકેશ કુમાર શૂન્ય પર અણનમ રહ્યો હતો.
સાઉથ આફ્રિકાની પંચાવન રનની ઇનિંગ્સ 23.2 ઓવરમાં અને ભારતની 153 રનની ઇનિંગ્સ 34.5 ઓવરમાં પૂરી થઈ હતી. જ્યારે બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા રમવા આવ્યું ત્યારે મહત્ત્વની ત્રણ વિકેટ ગુમાવી હતી. 17 ઓવરમાં 62 રન કર્યા હતા, જેમાં કેપ્ટન એલ્ગર સહિત અન્ય બે બેટર આઉટ થયા હતા.
ભારતનું વિકેટ પતન
યશસ્વી-17/1, રોહિત-72/2, ગિલ-105/3, શ્રેયસ-110/4, રાહુલ-153/5, જાડેજા-153/6, બુમરાહ-153-7
કોહલી-153/8, સિરાજ-153/9, ક્રિષ્ના-153/10