એકસ્ટ્રા અફેર

કેનેડા ગોલ્ડી-લાંડાને સોંપે એવી આશા ના રખાય

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારત સરકારે કેનેડામાં રહેતા ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો તેના ચાર દિવસ પછી કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને પણ આતંકવાદી જાહેર કરાયો છે. કેન્દ્ર સરકારે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો હતો ને હવે ગોલ્ડી બ્રારને પણ એ જ રીતે આતંકવાદી જાહેર કરાયો છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં દાવો કરાયો છે કે, ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે તેથી તેની સાથે સંકળાયેલા લોકોને કેન્દ્ર સરકાર એક પછી એક આતંકવાદી જાહેર કરી રહી છે ને તેમાં ગોલ્ડી બ્રારનો વારો પડી ગયો છે.

ગોલ્ડી બ્રાર પંજાબમાં નામચીન ગેંગસ્ટર છે પણ રાષ્ટ્રીય સ્તરે જાણીતા પંજાબી ગાયક અને કૉંગ્રેસના નેતા સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પછી ચમક્યો. ૨૯ મે, ૨૦૨૨ના રોજ પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધૂ મૂસેવાલાની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાની હત્યા પછી ગોલ્ડી બ્રારે મૂસેવાલાની હત્યાની જવાબદારી લેતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકેલો.

આ વીડિયો મેસેજમાં ગોલ્ડી બ્રારે પોતે મૂસેવાલાની હત્યા કરાવી હોવાનો સ્વીકાર કરીને કહેલું કે, મૂસેવાલા કેસમાં મારું નામ આવ્યું છે તેનો મને કોઈ પસ્તાવો નથી. મેં પહેલાં પણ કહ્યું હતું કે, મૂસેવાલાની હત્યા મે કરાવી છે કેમ કે મૂસેવાલા અમારા બે સાથીઓની હત્યામાં સામેલ હતો. મૂસેવાલાએ એવી ભૂલો કરી હતી કે જેને માફ ના કરી શકાય અને આ ભૂલોની તેને સજા મળવાની જ હતી.
આ વીડિયો મેસેજ પછી ગોલ્ડી બ્રાર દેશભરમાં જાણીતો થઈ ગયેલો. ગોલ્ડી બ્રાર પણ આ પબ્લિસિટીનો ભરપૂર ફાયદો ઉઠાવીને સમયાંતરે કંઈક ને કંઈ અટકચાળાં કર્યા કરે છે અને ચમક્યા કરે છે. આ વીડિયો મેસેજ પછી મીડિયાને પણ ગોલ્ડી બ્રારમાં રસ પડી ગયો તેથી મીડિયામાં પણ ગોલ્ડી બ્રારની કરમકુંડળી છપાઈ ગઈ છે. પંજાબ પોલીસે પણ મૂસેવાલાની હત્યા પછી લોરેન્સ બિશ્નોઈ અને કેનેડામાં રહેતા સતિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.

ગોલ્ડી બ્રાર જેલમાં બંધ પંજાબના બીજા નામચીન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો સાથી છે ને બન્ને પંજાબમાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનું નેટવર્ક ચલાવે છે. પંજાબ પોલીસના ડેટાબેઝ પ્રમાણે, બિશ્નોઈ સામે હત્યા સહિતના ગંભીર અપરાધોના ૩૬ કેસ નોંધાયેલા છે જ્યારે ગોલ્ડી બ્રાર સામે ૧૫ કેસ નોંધાયેલા છે અને છેલ્લા ૨૦ મહિનામાં બ્રારને આઠ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે.
જો કે કોઈ પણ વ્યક્તિ સામે કેટલા ગુના નોંધાયેલા છે એ મહત્ત્વનું નથી. એ ક્યા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એ મહત્ત્વનું છે. કેટલાક લોકો સીધા અપરાધ કરતા નથી અને પડદા પાછળ રહીને કામ કરે છે. ગુનો કરવાનું પ્લાનિંગ કરવાથી માંડીને તેને સફાઈથી અંજામ આપવા સુધીનાં બધાં કામ કરનારા આવા અપરાધી વધારે ખતરનાક હોય છે. જે લોકો હત્યા કરે છે કે બીજા ગુના કરે છે એ લોકો તો તેમનાં મહોરાં હોય છે જ્યારે અસલી અપરાધી આ લોકો હોય છે. ગોલ્ડી બ્રાર આવો જ અપરાધી છે કે જે સીધો અપરાધોમાં ઓછો સંકળાયેલો છે પણ પોતે ક્રાઈમ નેટવર્કને ઓપરેટ કરે છે. કોઈની હત્યા કરાવવા માટે હથિયારો પૂરાં પાડવાથી માંડીને બોમ્બ બ્લાસ્ટ કરાવવા સુધીનાં કામ એ કરે છે.

પંજાબના ફરીદકોટમાં જન્મેલા સતિન્દરજીતસિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર સામે ભારતમાં ફરીદપુર જિલ્લા કૉંગ્રેસ યુથ પ્રેસિડેન્ડ ગુરલાલસિહં પહલવાન, સિદ્ધૂ મૂસેવાલા સહિતના લોકોની હત્યાનો આરોપ છે. આ સિવાય પંજાબમાં ખાલિસ્તાનવાદી ચળવળને સક્રિય કરવા માટે હથિયારો પૂરાં પાડવા સહિતના ગુનામાં પણ તેની સંડોવણી છે. આ તો પોલીસને ખબર પડી એ ગુના નોંધ્યા, બાકી એ સિવાય બીજા કેટલાય ગુના તેણે કર્યા હશે કે જેની પોલીસમાં ફરિયાદ પણ નહીં નોંધાઈ હોય.

ગોલ્ડી બ્રારની પહેલાં એનઆઈએએ કેનેડામાં જ રહેતા ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો હતો. લાંડા પણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલો છે. લખબીરસિંહ લાંડાએ ગયા વરસે મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર રોકેટ હુમલો કરાવેલો. લાંડા પાકિસ્તાનમાં રહીને ભારતમાં ખાલિસ્તાનની ચળવળને સક્રિય કરવા મથતા હરવિંદરસિંહ રિન્ડાનો ખાસ માણસ છે. રિંડા ઉપરાંત જેની કેનેડામાં હત્યા થઈ ગઈ એ ખાલિસ્તાન ટાઈગર ફોર્સના હરદીપસિંહ નિજ્જરનો પણ ખાસ હતો. હમણાં અમેરિકામાં જેની હત્યાનું કાવતરું ઝડપાતાં ભારત અને અમેરિકા વચ્ચે બબાલ થઈ એ શીખ ફોર જસ્ટિસના ગુરપંતવંત સિંહ પન્નુન સાથે પણ લખબીરસિંહેના ગાઢ સંબધો છે.

લાંડા પણ કેનેડામાં જ રહે છે ને ગોલ્ડી બ્રાર પણ કેનેડામાં જ રહે છે. આ પહેલાં ભારત સરકારે જેમને આતંકવાદી જાહેર કર્યા એ પૈકીના ત્રીજા ભાગના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સ પણ કેનેડામાં રહે છે. તેના કારણે કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓ ફરી ચર્ચામાં છે. એક સમયે કાશ્મીરમાં આંતક ફેલાવતા આતંકવાદીઓથી માંડીને ખાલિસ્તાનવાદીઓ સુધીના બધા યુકેમાં પડ્યાપાથર્યા રહેતા. હવે કેનેડા ભારતમાં અપરાધો કરતા ને આતંક ફેલવાતા અપરાધીઓના અડ્ડા તરીકે ઉભર્યું છે એ સૂચક છે.

લાંડા અને ગ્લોડી બ્રાર બંને કેનેડામાં રહે છે ત્યારે કેનેડા આ બંનેના મુદ્દે શું કરે છે એ જોવાનું છે. કેનેડામાં ખૂંખાર અપરાધીઓની માહિતી આપવા માટે બી ઓન ધ લૂકઆઉટ (બોલો) કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમ હેઠળ ખૂંખાર અપરાધીઓ અંગે માહિતી આપનારને ઈનામ અપાય છે. ગોલ્ડી બ્રાર કેનેડાના બોલો પ્રોગ્રામના ટોપ ૨૫ મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં છે અને તેના માથે ૫૦ હજારનું ઈનામ જાહેર કરાયેલું છે.

ભારત સરકારે ગોલ્ડીને વોન્ટેડ જાહેર કર્યા પછી ઈન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડી છે. તેના કારણે ઈન્ટરપોલ સાથે સંકળાયેલા કોઈ પણ દેશે તેને વોન્ટેડ જાહેર કરવો પડે. આ કારણે ગોલ્ડી સામે પણ ઈનામ જાહેર કરાયું પણ કેનેડાએ બીજું કશું કર્યું નથી એ જોતાં એ હવે પણ ગોલ્ડી કે લાંડાને ભારતને સોંપવા કશું કરે એવી આશા રાખવા જેવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button