મુલુંડમાં ટ્રસ્ટના 1.40 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે ત્રણ જણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં આવેલા શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના 1.40 કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવટી દસ્તાવેજોને આધારે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાં જમા થયેલી ભાડૂતોની રકમ અન્યત્ર વાળવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આ પ્રકરણે ટ્રસ્ટના સભ્ય મનોજ કોટકે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે મુલુંડ પોલીસે 30 ડિસેમ્બરે વસંતભાઈ મજેઠિયા, પ્રદીપ સોઢા અને વિક્રમ લાખાણી સામે એફઆઈઆર નોંધ્યો હતો.
મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કાંતિલાલ કોથિંબીરેએ ગુનો નોંધવામાં આવ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ પ્રકરણ જૂનું હોવાથી દસ્તાવેજોની ચકાસણી સહિત વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર 1962માં ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ ભાગલા વખતે પાકિસ્તાનમાંથી આવેલા કચ્છી લોહાણા સમાજના લોકોને આ ટ્રસ્ટ હેઠળ સમાવી લેવામાં આવ્યા હતા. હાલમાં 836 પરિવાર આ ટ્રસ્ટના સભ્ય છે. મુલુંડમાં ટ્રસ્ટની ચાર ઈમારત હોઈ તેમાં 110 ઘર અને 21 દુકાન ભાડા પર આપવામાં આવી છે.
ફરિયાદી મનોજભાઈએ જણાવ્યું હતું કે 2006માં વસંતભાઈ ટ્રસ્ટના તે સમયના પદાધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. પછી તેમણે ટ્રસ્ટના કામકાજમાં સહકાર આપી પદાધિકારીઓનો વિશ્ર્વાસ કેળવ્યો હતો. કરાચીથી આવેલા ફુઆ લીલાધર રાયકુંડલિયાએ દત્તક લીધો હોવાના દસ્તાવેજો રજૂ કરીને પોતે આ સમાજના હોવાનું દર્શાવી ટ્રસ્ટ સાથે જોડાયા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે 2010માં થયેલી એક મીટિંગ અને તે સમયના હસ્તાક્ષરોનો આધાર લઈને નવો ચેન્જ રિપોર્ટ તૈયાર કરી વસંત મજેઠિયા ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા. પછીથી પ્રદીપ સોઢા અને વિક્રમ લાખાણીને પદાધિકારી દર્શાવવામાં આવ્યા હતા. વસંતભાઈ સહિત અન્યોએ બનાવટી દસ્તાવેજોને આધારે ટ્રસ્ટને નામે ત્રણ બૅન્કમાં ખાતાં ખોલાવ્યાં હતાં. આ ખાતાઓમાં ભાડૂતો પાસેથી પ્રાપ્ત રકમ જમા કરી અન્ય વ્યક્તિના નામના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ટ્રસ્ટના સભ્યોના ધ્યાનમાં આવ્યું હતું.
ટ્રસ્ટના નામે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાંથી અંદાજે 40 લાખ રૂપિયા અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરીને ટ્રસ્ટનું આર્થિક નુકસાન કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. એ સિવાય ટ્રસ્ટની ઈમારતોમાં આવેલી કેટલીક રૂમ અન્ય વ્યક્તિને ગેરકાયદે હસ્તાંતર કરવામાં આવી હતી. ટ્રસ્ટની રૂમ ટ્રાન્સફર કરતી વખતે કોઈ પણ પ્રકારના કાયદેસરના કરાર કરવામાં આવ્યા નથી. રૂમ ટ્રાન્સફર કરવાના બદલામાં નાણાં સ્વીકારીને ટ્રસ્ટની એક કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આ આક્ષેપોને વસંતભાઈ મજેઠિયાએ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. વસંતભાઈએ જણાવ્યું હતું કે તેમની ટીમને હટાવવા માટે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે અમારી તરફથી પણ અગાઉ પોલીસ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેની કોઈ નોંધ લીધી નહોતી. વળી, ચૅરિટી કમિશનમાં 13 વર્ષથી અમારા કેસ ચાલે છે. ચૅરિટી કમિશનરની પરવાનગીથી જ અમે રૂમનાં ભાડાં સ્વીકાર્યાં છે. અમે કંઈ ખોટું કર્યું નથી. બધું કાયદેસરનું કરવામાં આવ્યું હોવાના દસ્તાવેજ છે.