સીસીટીવીમાં દેખાયેલા વાહનના રજિસ્ટ્રેશન નંબરને આધારે પોલીસે સિરિયલ મોલેસ્ટરને ઝડપી પાડ્યો
પુણે: સીસીટીવી ફૂટેજમાં વાહનના અડધા દેખાતા રજિસ્ટ્રેશન નંબરને આધારે પુણે પોલીસે 45 વર્ષના સિરિયલ મોલેસ્ટરને ટ્રેસ કરીને ઝડપી પાડ્યો હતો, જેણે તાજેતરમાં કોંઢવા વિસ્તારમાં આઠ વર્ષની બાળકીને નિશાન બનાવી હતી.
આરોપીની ઓળખ મારુતિ નનાવરે તરીકે થઇ હોઇ તેની વિરુદ્ધ વિનયભંગ અને અપહરણના આઠ ગુના દાખલ છે અને 2013માં બળાત્કારના કેસમાં તેને 10 વર્ષની સજા ફટકારાઇ હતી.
ગયા મહિને કોંઢવા વિસ્તારમાં અજાણ્યા શખસ દ્વારા આઠ વર્ષની બાળકીનો વિનયભંગ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 100 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાંના એક ફૂટેજમાં તેના વાહનનો અડધો જ રજિસ્ટ્રેશન નંબર નજરે પડ્યો હતો, જેને આધારે પોલીસે મારુતિ નનાવરેને ઝડપી પાડ્યો હતો.
આરોપી મારુતિ વિરુદ્ધ 2007થી 2023 દરમિયાન સ્વારગેટ, ભારતી વિદ્યાપીઠ, બિબવેવાડી અને સહકારનગર પોલીસ સ્ટેશનમાં છ ગુના દાખલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
2013માં સહકારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અપહરણ અને બળાત્કારના આરોપસર તેને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
તાજેતરના કેસમાં ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફન્સીસ (પોક્સો) હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)