ટ્રક ડ્રાઇવરને ઔકાત પૂછનારા કલેક્ટર સાહેબને ઘરભેગા કરી દેવાયા!
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે કહ્યું, "હું પોતે શ્રમિકનો પુત્ર છું, આવી ભાષા વાપરવી યોગ્ય નથી."
ભોપાલ: હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઇવર્સની હડતાળને પગલે શાજાપુરમાં સ્થાનિક તંત્ર અને ટ્રક ડ્રાઇવરો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શાજાપુરના કલેક્ટર કિશોર કન્યાલે આવેશમાં આવી જઇને ડ્રાઇવરને ‘ક્યાં ઔકાત હૈ તુમ્હારી’ તેમ કહી અપમાન કર્યું હતું. આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ જતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો. નેતાઓ-પત્રકારો સહિત અનેક લોકોએ આકરી ટીકા કરતા ઉગ્ર વિવાદને પગલે કલેક્ટરને માફી માગવાની ફરજ પડી હતી. જો કે હવે મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે એક મોટું પગલું લેતા કલેક્ટરને પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન મોહન યાદવે જણાવ્યું હતું કે આ સરકાર ગરીબોની સરકાર છે. સૌના કામનું સન્માન જરૂરી છે. કલેક્ટરનું નિવેદન અમારી સરકારમાં સાંખી નહીં લેવાય. અધિકારીઓએ તેમની ભાષા અને વર્તનનું ધ્યાન રાખવું પડશે.
મૂળ ઘટના બેઠકમાં એ બની હતી કે, ટ્રક ડ્રાઇવરોના યુનિયન અને કલેક્ટર સહિતના અધિકારીઓ વચ્ચે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અધિકારીઓ ડ્રાઇવરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેઓ કાયદો પોતાના હાથમાં ન લે. દેશમાં અરાજકતા પેદા ન કરે. સામે પક્ષે ડ્રાઇવરોએ કહ્યું હતું કે જો હિટ એન્ડ રનનો કાયદો પાછો ન લેવાય તો અમે કોઇપણ હદ સુધી જઇશું. ઉગ્ર વિરોધ કરીશું.
ત્યારે કલેક્ટર કિશોર કન્યાલે આવેશમાં આવી તે ડ્રાઇવરને કહી દીધું હતું કે શું લાયકાત છે તમારી? શું કરી લેશો? જેના જવાબમાં તે ડ્રાઇવરે સામે સંભળાવ્યું હતું કે કોઇ ઔકાત(લાયકાત) નથી એ માટે જ લડાઇ લડી રહ્યા છીએ. સમગ્ર વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો હતો, અને વિવાદ શમાવવા કલેક્ટરે માફી માગી લીધી હતી.
ટ્રક ડ્રાઇવરોની હડતાળને પગલે નવા વર્ષની શરૂઆતમાં જ દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઠેર ઠેર હાઇવે પર ડ્રાઇવરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી નાખતા અનાજ, શાકભાજી, પેટ્રોલ સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની ભારે તંગી સર્જાઇ હતી. અમુક ભાગોમાં વિરોધ પ્રદર્શન રોકવા આવતી પોલીસ પર પણ હુમલાની ઘટનાઓ બની હતી. રસ્તા પર ટ્રક રોકીને બેસી જતા પરિવહનને પણ માઠી અસર પહોંચી હતી.
આવા સંજોગોમાં સરકારને તાત્કાલિક ટ્રાન્સપોર્ટ યુનિયનો સાથે બેઠક બોલાવવાની ફરજ પડી હતી. બેઠક બાદ જાહેરાત થઇ હતી કે હિટ એન્ડ રનનો કાયદો હાલપૂરતો લાગુ કરવામાં નહિ આવે.