સ્પોર્ટસ

ગુજરાત જાયન્ટ્સની આ ઑસ્ટ્રેલિયનનો કયો શૉટ મોસ્ટ ફેવરિટ છે?

હરમનપ્રીત કૌરના સુકાનમાં આપણી મહિલા ટીમનો આ અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની 20 વર્ષની લેફ્ટ-હૅન્ડ બૅટર ફૉબે લિચફીલ્ડને કારણે જ 0-3થી વ્હાઇટ વૉશ થયો, પરંતુ લખી રાખજો, આ જ સ્ટાઇલિશ બૅટરની બે મહિના પછી આપણી જ ધરતી પર વાહ-વાહ થતી હશે.

વાત એવી છે કે મંગળવારે વાનખેડેમાં પ્લેયર ઑફ ધ મૅચ લિચફીલ્ડના 119 રનને કારણે આપણી ટીમ ત્રીજી અને છેલ્લી વન-ડે હારી ગઈ એટલું જ નહીં, આખી સિરીઝમાં બનાવેલા કુલ 260 રન બદલ તે પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ પણ જીતી હતી. 2024ની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) માટે લિચફીલ્ડને ગુજરાત જાયન્ટ્સે એક કરોડ રૂપિયામાં મેળવી છે અને હાલનું તેનું ફૉર્મ જોતાં તે ડબ્લ્યુપીએલની મૅચોમાં સ્ટેડિયમ ગજાવશે એમાં કોઈ શંકા નથી.

ગયા મહિને વાનખેડેમાં જ ઑસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચ હારી ગઈ હતી અને એમાં લિચફીલ્ડ બન્ને દાવમાં સારું નહોતી રમી શકી. જોકે એમાં તેને જે એક અખતરો કર્યો હતો એનાથી ખુશ હતી. લિચફીલ્ડે એ ટેસ્ટમાં રિવર્સ-સ્વીપ શૉટ સફળતાથી અજમાવ્યો હતો અને મંગળવારે પૂરી થયેલી વન-ડે શ્રેણીમાં તેણે એ શૉટ વારંવાર રમીને એમાં માહિર બની ગઈ. તે સિરીઝમાં 12 વખત રિવર્સ-સ્વીપ શૉટ માર્યો હતો અને એમાં કુલ બાવીસ રન બનાવ્યા હતા. તેની કૅપ્ટન અલીઝા હીલી પણ એટલી વાર રિવર્સ-સ્વીપ નહોતી મારી શકી. હીલીના ચાર રિવર્સ-સ્વીપ લિચફીલ્ડના બાર શૉટ કરતાં ત્રણ ગણા ઓછા હતા.

મેન્સ ક્રિકેટમાં ભાગ્યે જ કોઈ ખેલાડીને રિવર્સ-સ્વીપ શૉટ રમવાનું ફાવતું હોય છે, પરંતુ લિચફીલ્ડ આ શૉટથી એટલી બધી પ્રભાવિત અને એક્સાઇટેડ છે કે તે કોઈ પણ બૉલમાં એ રમી જાણે છે. ખુદ તેણે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘પેસ હોય કે સ્પિન, મને રિવર્સ-સ્વીપ શૉટ રમવો ખૂબ ફાવે છે અને આ શૉટ દ્વારા હવે હું જે ટીમ વતી રમીશ એને ઘણા રન બનાવી આપીશ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button