Transgender Rights: લાયકાત છતાં ટ્રાન્સ વુમનને નોકરી ના મળી, SC આપી ન્યાયની ખાતરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગઈકાલે મંગળવારેના રોજ એક ટ્રાન્સજેન્ડર વુમન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ઉત્તર પ્રદેશ અને ગુજરાતની બે ખાનગી શાળાઓ તથા બંને સંબધિત રાજ્યોની સરકારો અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. શાળાઓએ ટીચર તરીકેની નિમણૂક કર્યા બાદ ટ્રાન્સજેન્ડર મહિલા સાથે જેન્ડર ઓરિએન્ટેશનના આધારે ભેદભાવ કરી બરતરફ કરી હતી.
ટ્રાન્સજેન્ડર મહિલા યુપીના ખીરીમાં આવેલી ઉમા દેવી ચિલ્ડ્રન્સ એકેડમીમાં ટીચર તરીકે જોડાઈ હતી. તેણે સ્કૂલમાં છ દિવસ સેવા આપી ત્યાર બાદ શાળા મેનેજમેન્ટને તેના જેન્ડર ઓરિએન્ટેશન વિશે જાણ થતાં તેને બરતરફ કરી હતી. જેનાથી હતાશ થઈને નવેસરથી જીવનની શરૂઆત કરવા અને સ્થાયી નોકરી મળવવા ટ્રાન્સજેન્ડર મહિલા યુપીથી સેંકડો કિલોમીટર દૂર ગુજરાતના જામનગર આવી ગઈ હતી, ત્યાં પણ તેને કડવો અનુભવ થયો હતો. આવેદન આપ્યા બાદ જેપી મોદી સ્કૂલ તરફથી તેને જોઈનીંગ લેટર આપવામાં આવ્યો હતો.. પરંતુ ઔપચારિકતાઓ પૂર્ણ કરે એ પહેલાં, શાળાના મેનેજમેન્ટને તેના જેન્ડર ઓરિએન્ટેશન વિશે જાણ થઇ હતી, અને તેને નોકરી પર રાખવા ઇનકાર કર્યો હતો.
અપમાન અને તિરસ્કાર સામે ટ્રાન્સજેન્ડર મહિલાએ ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેના વકીલના જણાવ્યા મુજબ, વ્યક્તિના જેન્ડર ઓરિએન્ટેશનને આધારે ભેદભાવ, એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. એક દાયકા પહેલા સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં ટ્રાંસજેન્ડર વ્યક્તિઓના અધિકારો અંગે સ્પષ્ટતા કરી હતી, તેમ છતાં સમાજમાં તેમને કામ કરવાની સમાન તકનો અધિકાર મળ્યો નથી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે ટ્રાન્સજેન્ડર મહિલાની અરજી સંભાળવા તૈયારી બતાવી હતી. ખંડપીઠે બે શાળાઓના વડાઓ ઉપરાંત યુપી સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. અરજદારને વચગાળાની રાહત માંગી ત્યારે ખંડપીઠે ખાતરી આપી કે “અમે કંઈક કરીશું”.
અરજીમાં જણાવ્યું હતું કે, આવા ભેદભાવની સાથે તેની સાથે અયોગ્ય વર્તન પણ કરવામાં આવ્યું, ઉપરાંત આ જીવન અને આજીવિકાના મૂળભૂત અધિકારનું ઘોર ઉલ્લંઘન છે. તેની ટ્રાન્સજેન્ડર ઓળખ તેને રોજગાર નકારવાનું એકમાત્ર કરણ છે. તેને રોજગાર મળે છે ત્યાં પણ સતામણીનો સામનો કરવો પડે છે, ભેદભાવ થાય છે અને અંતે નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે.
ટ્રાન્સજેન્ડર મહિલા પાસે બેચલર ઓફ આર્ટ(BA), પોલીટીકલ સાયન્સમાં માસ્ટર્સ ઓફ આર્ટસ (MA), બેચલર ઓફ એજ્યુકેશન (BED) અને નર્સરી ટીચર ટ્રેઇનિંગમાં બે વર્ષનો ડિપ્લોમાની ડિગ્રી છે.
જાણકરી મુજબ U.P.ની ઉમા દેવી ચિલ્ડ્રન્સ એકેડમીના કિસ્સામાં, શાળાના મેનેજમેન્ટે સૌપ્રથમ એવી શરત મૂકી હતી કે મહિલા શાળામાં માત્ર ત્યારે જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે જો તે તેની જેન્ડર આઇડેન્ટિટી છુપાવીને રાખશે. પ્રયાસો છતાં જ્યારે વિદ્યાર્થીઓએ જાણ થઇ ગઈ ત્યારે તેની પજવણી કરવામાં આવી, ત્યાર બાદ શાળાના મેનેજમેન્ટે તેના પર રાજીનામું આપવા દબાણ કર્યું હતું.
રાષ્ટ્રીય મહિલા આયોગ(NCW) એ યુ.પી.માં બનેલી ઘટના અંગે સંજ્ઞાન લીધું હોવા છતાં, તપાસમાં મહિલાની ફરિયાદને ધ્યાને લીધા વિના શાળાને ક્લીનચીટ આપવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સને ફરિયાદો મળવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉપરાંત શાળાએ ટ્રાન્સજેન્ડર મહિલા પર રૂ.1 કરોડનો બદનક્ષીનો દાવો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના જામનગર શહેરની જેપી મોદી સ્કૂલમાંથી તેને જોબ માટે ઓફર મળી હતી. ક્રાઉડફંડિંગ દ્વારા નાણાં એકત્ર કર્યા પછી તે સ્કૂલમાં જોડાવા માટે જુલાઈ 2023 માં શાળાએ પહોંચી. બીજા દિવસે, તેને શાળાના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તેના જેન્ડર ઓરિએન્ટેશનને કારણે તેને શાળામાં નોકરી મળી શકે નહિ, તેને દિલ્હી પાછા જવા કહેવામાં આવ્યું.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ને કરવામાં આવેલી ફરિયાદ બાદ પણ યુ.પી.માં સંબંધિત અધિકારીઓને સમન્સ જારી કરવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.