TMCમાં વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચેના વિવાદની સ્ક્રીપ્ટ ભાજપે લખી હોવાનો અધીર રંજન ચૌધરીનો દાવો
કોલકાતાઃ કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ મંગળવારે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ અને યુવા નેતાઓ વચ્ચે ચાલી રહેલા “વિવાદ”ની રચના કરી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આગામી દિવસોમાં ભાજપ તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનજીને પશ્ચિમ બંગાળના આગામી મુખ્ય પ્રધાન તરીકે પણ રજૂ કરી શકે છે. સોમવારે તૃણમૂલ કોંગ્રેસના 27માં સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન પાર્ટીમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હતા.
અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, ટીએમસીની બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ અભિષેક બેનરજી પર કટાક્ષ કર્યો હતો, જેના પર યુવા પેઢીના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. ચૌધરીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, “જે પણ નાટક ચાલી રહ્યું છે તેની સ્ક્રિપ્ટ ભાજપ દ્વારા લખવામાં આવી છે… જો કોઈ દિવસ ભાજપ અભિષેકને પ. બંગાળના આગામી મુખ્ય પ્રધાન તરીકે રજૂ કરવાનું શરૂ કરે તો નવાઈ પામશો નહીં… તેથી જ ED ( એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તેમની સામે મૌન બની ગયા છે.
અધીર રંજને એવો પણ આરોપ લગાવ્યો હતો કે પ. બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કૉંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની 2021માં ઇડી દ્વારા એમના નવી દિલ્હીના કાર્યાલયમાં લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ અભિષેક બેનરજી અચાનક જ કૉંગ્રેસ વિરોધી બની ગયા.
તૃણમૂલ કૉંગ્રેસમાં વરિષ્ઠ અને યુવાન નેતાઓ વચ્ચેનો વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે મઉખ્ય પ્રધાન મમતા બેનરજીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ઉચિત સન્માન આપવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો અને વરિષ્ઠ નેતાઓએ સક્રીય રાજકારણમાંથી સન્યાસ લેવાની દાવાનો ઇનકાર કર્યો.
ત્યાર બાદ અભિષેક બેનરજીએ વધતી ઉંમર સાથે કાર્ય કુશળતા અને ઉત્પાદનશિલતામાં ઘટાડો થતો હોવાનુ ંજણાવી રાજનીતિમાં પણ સેવાનિવૃત્તિની અને વયમર્યાદાની વાત કરી હતી. નોંધનીય છે કે અભિષેક બેનરજીને તૃણમૂલ કૉંગ્રેસના યુવા બ્રિગેડના નેતૃત્વ કરનારા માનવામાં આવે છે.