14 જાન્યુઆરીથી મંદિરો માટે આ અભિયાન શરૂ કરવાનું પીએમ મોદીનું સૂચન
નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દેશને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દેશભરના લોકોને વિનંતી છે કે મકરસંક્રાંતિના દિવસથી દેશના નાના-નાના તીર્થ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે.
તેમણે અયોધ્યાના લોકોને ભાવપૂર્ણ રીતે જણાવ્યું હતું કે, ‘અયોધ્યાની પ્રસિદ્ધિ હવે દેશવિદેશમાં ફેલાઇ ગઇ છે, ત્યારે હવે તમારે દેશ અને દુનિયાના અસંખ્ય મહેમાનો માટે તૈયાર રહેવું પડશે. હવે દેશ અને દુનિયામાંથી લોકો દરરોજ અયોધ્યા આવતા રહેશે. તેથી અયોધ્યાના લોકોએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો પડશે. આ સ્વચ્છ અયોધ્યાની જવાબદારી અયોધ્યાની જનતાની છે.’
તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘હું દેશભરના લોકોને વિનંતી કરું છું કે ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક અઠવાડિયા પહેલા એટલે કે 14મી જાન્યુઆરીના મકરસંક્રાંતિના દિવસથી દેશભરના નાના-મોટા તમામ તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન શરૂ થવું જોઈએ. આ માટે લોકોએ મોટી ઝુંબેશ ચલાવવી જોઈએ. આપણે 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દરેક મંદિરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ.
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભગવાન રામ બધાના છે. જ્યારે ભગવાન રામ આવી રહ્યા છે ત્યારે આપણા એક પણ મંદિર, એક પણ તીર્થ વિસ્તાર ગંદો ન હોવો જોઈએ, એની આપણે ખાતરી રાખવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દાયકા જૂની પ્રતિજ્ઞા પણ પૂર્ણ થશે. મોદી નવા મંદિરમાં મુખ્ય યજમાન તરીકે ભગવાન શ્રીરામના પ્રથમ દર્શન કરશે. આ સાથે જ 14 જાન્યુઆરી 1992 ના રોજ તેમના જન્મસ્થળ પર રામલલ્લાની સામે લીધેલ તેમની ભાવનાત્મક પ્રતિજ્ઞા પૂરી થશે.
નોંધનીય છે કે 11 ડિસેમ્બર 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુઆરી 1992ના રોજ અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં પૂર્વ આરએસએસ પ્રચારક અને ગુજરાત ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ મુરલી મનોહર જોશી સાથે આવ્યા હતા. તેમણે રામ જન્મભૂમિની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે ભગવાન તેમના માટે બનાવવામાં આવેલા રામ મંદિરમાં બિરાજમાન થશે તે પછી તેઓ દર્શન માટે આવશે.