India-Pakistan Tensions: ભારતે પાકિસ્તાનને 184 માછીમારોને ઝડપી મુક્ત કરવા જણાવ્યું
નવી દિલ્હીઃ 2008 કોન્સ્યુલર એક્સેસ પરના કરારની જોગવાઈઓ હેઠળ ભારત અને પાકિસ્તાને તાજેતરમાં નાગરિક કેદીઓ અને પરમાણુ સ્થાપનોની યાદીની આપલે કરી હતી. ભારતે તેની કસ્ટડીમાં રહેલા 337 નાગરિક કેદીઓ અને 81 માછીમારોની યાદી શેર કરી છે, જેઓ પાકિસ્તાની છે અથવા પાકિસ્તાની હોવાનું માનવામાં આવે છે. એ જ રીતે, પાકિસ્તાને તેની કસ્ટડીમાં 47 નાગરિક કેદીઓ અને 184 માછીમારોની સૂચિ શેર કરી હતી, જેઓ ભારતીય છે અથવા ભારતીય હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈએ બંને દેશો વચ્ચે આવી યાદીઓની આપ-લે કરવામાં આવે છે, ભારતે પાકિસ્તાનને 184 ભારતીય માછીમારોને ઝડપી મુક્ત કરવા જણાવ્યું હતું જેમણે તેમની સજા પૂરી કરી છે.
આ ઉપરાંત, પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા બાકીના 12 નાગરિક કેદીઓને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ પ્રદાન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે, જેઓ ભારતીય હોવાનું માનવામાં આવે છે, એમ વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે.
સરકારના સતત પ્રયાસોના પરિણામે, 2014 થી 2639 ભારતીય માછીમારો અને 67 ભારતીય નાગરિક કેદીઓને પાકિસ્તાનમાંથી પાછા મોકલવામાં આવ્યા છે. આમાં 478 ભારતીય માછીમારો અને 09 ભારતીય નાગરિક કેદીઓનો સમાવેશ થાય છે જેઓ 2023 માં પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા હતા, એમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.