નેશનલ

મોદી ૯મીથી બે દિવસની ગુજરાત મુલાકાતે વાઈબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન આગામી તા. ૯મી અને તા.૧૦મી જાન્યુઆરીએ ગુજરાતમાં આવશે અને વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.૯મી જાન્યુઆરીના રોજ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેડ શૉને ખૂલ્લો મૂકશે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે રાજભવનમાં રોકાણ કરશે. આ દરમિયાન એક સમીક્ષા બેઠક ઉપરાંત રાજભવન ખાતે મહેમાનો સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ બીજા દિવસે એટલે કે તા.૧૦મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં વડા પ્રધાને વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તા.૧૦મી થી તા.૧૨ જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટમાં ૨૮ દેશો અને ૧૪ સંસ્થાઓ પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બંગલાદેશ, જર્મની, ચેક રિપબ્લિક, ઈજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલયેશિયા, માલ્ટા, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડસ, નોર્વે, પોલેન્ડ, કોરિયા, સિંગાપુર, થાઈલેન્ડ, યુઓઈ, યુકે અને વિયેતનામનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button