ડેવિડ વૉર્નરની વિદાય કડવી: બૅગી ગ્રીન કૅપ ચોરાઈ ગઈ
ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટ-લેજન્ડ ડેવિડ વૉર્નર આજથી કરીઅરની છેલ્લી ટેસ્ટ રમવાનો છે અને એ પહેલાં તેને ભારે નિરાશ કરી મૂકે એવી ઘટના બની છે. તેણે સોશ્યલ મીડિયા મારફત ઇમોશનલ વર્ણનમાં કહ્યું છે કે તેના લગેજમાંથી તેની અમૂલ્ય બૅગી ગ્રીન કૅપ અને બૅકપૅક ચોરાઈ ગયા છે. આવું કહીને વૉર્નરે જાહેર જનતાને આ બહુમૂલ્ય ચીજો પાછી મેળવવામાં બનેએટલી મદદ કરવાની અપીલ કરી છે. આ સામાન મેલબર્ન ઍરપોર્ટ પર મોકલવામાં આવી હતી જ્યાંથી એ લગેજ સિડની મોકલવામાં આવનાર હતું.
વૉર્નર પોતાની આ ચીજો માટે એટલો બધો ભાવુક થઈ ગયો છે કે તેણે આ ચીજોની ચોરી કરનાર સામે કંઈ જ પગલાં નહીં ભરવામાં આવે એવી ખાતરી આપી છે અને એ ચીજો ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને અથવા ઍરલાઇનને મોકલી દેવાની વિનંતી કરી છે. વન-ડેમાંથી પણ રિટાયરમેન્ટ લઈ રહેલા વૉર્નરે ચોરી કરનારી વ્યક્તિને ત્યાં સુધી ખાતરી આપી છે કે તેને પોતે એક અલગ બૅકપૅકની ભેટ આપી શકે એમ છે.