દ.ગુજરાતમાં દીપડાના હુમલા અટકાવવા તાલુકા દીઠ ૧૦ પાંજરાઓ ખરીદાશે
દીપડાઓનું ટ્રેકિંગ-વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તાર પ્રમાણે વધુ ગીચતા હોવાથી માનવ વસ્તી આસપાસ આવી જતાં દીપડાને પકડવા તાલુકા દીઠ ૧૦ પાંજરાઓની ખરીદવામાં આવશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૨૩મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના ૬૯૬૬૮.૫૧ હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી.
તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમ જ તાપી વ્યારાના ખેરવાડા, ટાપ્તી અને વાજપુર એમ ૭ રેન્જના અને અખંડ જંગલની માહિતી, ફ્લોરા અને ફૌનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માનવ જીવન વિકાસ સાથે વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના જતન-સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આપેલા મિશન લાઇફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય પ્રધાન સમક્ષ આ બેઠકમાં રાજયના ૭ અભયારણ્યમાં અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઇલ ટાવર્સ, રોડ-રસ્તા એમ ૧૫ કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.
ઘુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ, બાલારામ-અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા અને શૂરપાણેશ્ર્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે. વન પ્રધાન મૂળુભાઈ બેરા, રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમારે પણ આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યાં હતાં.
રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણનાં બનાવો સામે વન વિભાગે લાંબાગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કરી છે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
અગ્ર મુખ્ય વનસંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવે આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તૃત કર્યુ હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસક દિપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દીપડાઓની વર્તણૂકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કોલર કરવાનું કામ પણ વિભાગે કર્યું છે. પાંચ દીપડાઓને રેડિયો કોલર પણ કરવામાં આવેલા છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂરના જંગલ વિસ્તારમાં રક્ષિત સ્થાને વસાવી શકાય તે માટે લાંબાગાળાના ઉપાય તરીકે રિહેબિલિટેશન સેન્ટર વન વિભાગના ઊભાં કરે તે દિશાનાં આયોજન અંગે સૂચન કર્યું હતું.