અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
વન ટુ થ્રી – વન ટુ થ્રી માટે નૌ દો ગ્યારા
યુએસએનું લાસ વેગસ પૈસાના જુગારના સરનામા તરીકે વિશ્ર્વ વિખ્યાત છે. અહીં કોઈ ૧૦૦ ડોલર ઠાલવી એના પર નસીબમાં લખ્યું હોય એટલા મીંડાં ઉમેરી ગાંસડી ભરી પૈસા લઇ જાય છે તો સાથે એવાય હોય છે જે કોથળો ઠાલવ્યા પછી ઉધાર પૈસા લઈ ઘરે વીલા મોઢે પાછા ફરે છે. આ વર્ષે લાસ વેગસ દિલના જુગાર માટે પણ ચર્ચાનું કેન્દ્ર હતું.
વાત એમ છે કે રવિવાર તારીખના હિસાબે અનન્ય દિવસ હોવાથી અનેક લોકો ‘નૌ દો ગ્યારહ’ કરી વેગસ વિવાહ કરવા પહોંચી ગયા છે. આપણે ત્યાં ૩૧/૧૨/૨૩ લખાય છે, જ્યારે અમેરિકન પદ્ધતિ અનુસાર પહેલા મહિનો, પછી તારીખ અને છેલ્લે વર્ષ લખવાનો રિવાજ હોવાથી રવિવારની તારીખ હતી ૧૨/૩૧/૨૩. ટૂંકમાં રવિવારની તારીખ હતી
૧-૨-૩ ૧-૨-૩.!
વિદેશમાં સ્પેશિયલ ડેટ માટે ગજબની ઘેલછા હોય છે. એમાં પાછું ન્યુ યર ઇવ એટલે કે નવા વર્ષનો આગલો દિવસ એટલે એ દિવસે અનેક યુગલને પરણ વા ઉપડ્યો અને ઊંડું ખિસ્સું ધરાવતા લોકો પહોંચી ગયા લાસ વેગસ. અગાઉ ૦૭/૦૭/૨૦૦૭ (૭ જુલાઈ ૨૦૦૭)ના દિવસે ૪૪૯૨ યુગલ વિવાહબદ્ધ થયા હતા. આ પ્રકારનો બીજો લોકપ્રિય દિવસ છે ૧૧/૧૧/૧૧ (૧૧ નવેમ્બર ૨૦૧૧) જે દિવસે ૩૧૨૫ યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પોતાનું સંતાન મિલેનિયમ ડે – ૦૧/૦૧/૨૦૦૦ના દિવસે જન્મે એવી ઘેલછા આપણા દેશ સહિત અનેક ઠેકાણે જોવા મળી હતી.
લ્યફો કરો વાત!
ક્રિસમસ પાર્ટી બહુ એન્જોય કરી અને ‘ડાન્સ – વાઈન એન્ડ ડાઈન’ના માહોલમાં અલગ અલગ ડિશ પણ એન્જોય કરી હશે.
ક્રિસમસના મેનુની કેટલીક ખાસ વાત હોય છે. ખાસ ન્યૂ યર માટેની વાનગીઓમાં ગોળાકાર ખાદ્ય પદાર્થ કે પછી વીંટીના આકારની વાનગી (જેમાં વચ્ચે કાણું હોય)નો સમાવેશ અચૂક થાય છે. આવી ગોળાકાર વાનગી વર્ષ આખાનું વર્તુળ પૂરું થયું હોવાની સાક્ષી પૂરે છે અને એને કારણે આગામી વર્ષમાં નસીબ બળવાન રહેશે એવી માન્યતા પણ જોડાયેલી છે. સ્પેનમાં તો મધરાતે ૧૨ના ટકોરા શરૂ થઈ પૂરા થાય એ દરમિયાન એ દ્રાક્ષ ઓહિયા કરી જવાની પ્રથા છે.
સંતાન ૨૦૦, પણ કુંવારા બાપ!
૧૮૦ સંતાનનો જન્મ થઈ ચુક્યો છે અને બીજા વીસેક આગામી કેટલાક મહિનામાં જન્મવાના છે એવા ‘પિતાશ્રી’ આજની તારીખમાં કુંવારા છે એવું જો તમને કહેવામાં આવે તો તમારી માનસિક ભૂમિ પર વિચારોના આખલા નાસભાગ કરી દે એ વાત નક્કી. યુએસ, આર્જેન્ટિના- ઈટલી- સિંગાપોર- ફિલિપિન્સ અને યુકેમાં વીર્યદાનથી સંતાન વિહોણી માતાઓને માતૃત્વ બક્ષનાર ૫૧ વર્ષના જોને એક એવી ક્ધયાની તલાશ છે, જે એની અનોખી લાઈફસ્ટાઈલ સમજી એને અપનાવે અને પોતાને એડજસ્ટ કરે. અલબત્ત, જોભાઈએ મેરેજ કરેલા ખરા, પણ પત્ની વીર્યદાનવાળી જીવનશૈલી અપનાવી ન શકી અને એણે પાંચેક વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા. ડિવોર્સનું કારણ સમજી ન શકે એટલો નાદાન જો નથી. ‘કોઈ પણ પત્ની એનો પતિ એના સાનિધ્યમાં રહે અને પારિવારિક જીવન જીવી પોતાના બાળકના ઉછેરમાં ધ્યાન આપે એવું ઈચ્છતી હોય એ સ્વાભાવિક છે’ એવો ખુલાસો એણે કર્યો છે. જો કે, પોતાને ‘એંજલ ઓફ નોર્થ’ (યુકે સ્થિત દેવદૂતનું શિલ્પ જેની ગણના વિશ્ર્વના સૌથી વિશાળ દેવદૂતના શિલ્પ તરીકે થાય છે) ગણાવતો જો બાળકને જન્મ નહીં આપી શકતી મહિલાઓની ‘સંતાન સુખ’ની મનોકામના પૂર્ણ કરે છે, પોતાની પત્ની મેળવવાની એની મનોકામના કોણ જાણે ક્યારે પૂરી થશે એ તો પેલા દેવદૂત જાણે !
બગાસું ખાતા મોમાં પતાસું આવી પડ્યું
લેવા ગયા હોઈએ પિત્તળ ને હાથ લાગે સોનું દુકાનદાર પાસે છુટ્ટા પૈસા ન હોવાથી ચોકલેટને બદલે લોટરીની ટિકિટ આપે અને એમાં મસમોટું ઈનામ લાગે એ પ્રકારના પ્રસંગ વખતે ‘બગાસું ખાતા મોંમાં પતાસું આવી પડ્યું’ એમ કહેવાય છે. પતાસું એટલે ખાંડની કડક ચાસણીમાં તૈયાર કરવામાં આવતી વાનગી, જે મીઠું મોઢું કરવા શુભ પ્રસંગે વપરાય છે.
યુરોપમાં રહેતી જેસિકા વિન્સેન્ટ નામની મહિલા એક બપોરે સાવ નવરી હતી અને ગજવામાં પૈસા હતા એટલે બહેનબા ઉપડ્યાં ખરીદી કરવા. સરસ મજાનું સેલ લાગ્યું હતું એ દુકાનમાં લટાર મારતા મારતા એની નજર પડી કાચના એક શો- પીસ પર. બોટલ આકારના એ પીસનો રંગ અને એની ડિઝાઈન જોઈ ‘મારું મન મોહી ગયું’ જેવો ભાવ એમને ઉપજ્યો.ખાસ વાત એ હતી કે મેઝરિંગ કપ, સેન્ટેડ કેન્ડલ્સ અને એવી બીજી આઈટમ વચ્ચે આ શો પીસ અલગ તરી આવતો હતો. હાથમાં લઈ એનું ઝીણવટથી નિરીક્ષણ કરતા જેસિકાને એ કાચની બોટલ પર ‘મુરાનો’ અને ‘ઈટાલિયા’ એવા બે શબ્દો નજરે પડ્યા. આ શો- પીસ ઘરની શોભા વધારશે એમ માની ૪૩ વર્ષની જેસિકાએ ૩. ૯૯ ડોલર (આશરે ૩૨૫ રૂપિયા) ચૂકવી એ ખરીદી લીધું.
ખરીદેલી મોહક આઈટમ એણે સોશિયલ મીડિયા પર શેર કરી ને એને ખબર પડી કે એ તો કાર્લો સ્કાર્પા નામના પ્રખ્યાત ઈટાલિયન આર્કિટેક્ટએ બનાવી હતી. જેસિકાને જોમ ચઢી ગયું પછી કેટલાંક પ્રયાસના અંતે એ શો- પીસ એન્ટિક વસ્તુના લિલામમાં ૧,૦૭,૧૦૦ ડોલર (આશરે ૮૯ લાખ રૂપિયા)માં કોઈએ ખરીદી લીધું.
છે ને ‘બગાસું ખાતા મોંમાં પતાસું આવી પડ્યું’નો આ ક્લાસિક કિસ્સો!
‘કઢંગી’ કેક માટે માફી માગી
ચોકસાઈના અતિ આગ્રહી એવા જાપાનમાં સૂર્યોદય
એકાદ મિનિટ પણ મોડો થાય તો ફરિયાદ કોને અને ક્યાં કરવી એવો સવાલ પૂછવામાં આવે છે એવી જોક પ્રચલિત છે.
પાંચ વર્ષ પહેલા તો નોટોગાવા નામના સ્ટેશનેથી ટ્રેન નિયત સમય કરતાં ૨૫ સેક્ધડ વહેલી ઉપડી ગઈ એ માટે
જાપાન રેલ વ્યવસ્થા તરફથી માફી માગવાનો એક સાચો
કિસ્સો જગમશહૂર થયો હતો. લોકોની લાગણીને સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારે ઠેસ ન પહોંચે એની દરકારનું આ ઉત્તુંગ શિખર છે.
તાજેતરમાં જાપાનમાં ઓર્ડર કરેલી કેકનું બોક્સ ખોલતા અંદરથી કેકના કકડા નીકળતા તેમજ થોડો ભૂક્કો પણ નજરે પડતા વિફરેલી જનતાએ પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેનના ભુક્કા બોલાવી દીધા. ક્રિસમસની ઉજવણી માટે ડિલિવરી કરવામાં આવેલી ૩૦૦૦થી વધુ ફ્રોઝન કેકમાંથી ૮૦૦ કેક ‘કઢંગી’ હાલતમાં નજરે પડતા ‘નહીં ચલેગા’ પ્રકારનો નારો ગુંજી ઊઠ્યો. ‘કેક કોલેપ્સ’ (કેક ભાંગી પડી) મથાળાં હેઠળ આ સમાચાર ફોટો સાથે ચારેકોર ફેલાઈ ગયા. ચેન સ્ટોરના વરિષ્ઠ અધિકારીએ જનતાને અગવડ પડવા બદલ જાહેરમાં માફી માગી એ કેકના પૈસા પાછા આપી દેવામાં આવશે એવી સ્પષ્ટતા કરી અને હવે ‘યે ક્યા હુઆ, કૈસે હુઆ’નો આદેશ આપ્યો છે.
રાણી માટે રાજાની ‘હકાલપટ્ટી’
સંયુક્તા ગમી ગઈ તો એને પોતાની કરવા પૃથ્વીરાજે એનું અપહરણ કર્યું હતું. ‘મહાભારત’માં સુભદ્રાહરણ પણ જાણીતું છે. ‘રાજાને ગમે તે રાણી છાણાં વીણતી આણી’ એ કહેવત તો વાચકો જાણે જ છે. જો કે, રાજા નામના એશિયાઈ હાથીના જીવનમાં એવો વળાંક આવ્યો છે કે રાણી માટે રાજાની ‘હકાલપટ્ટી’ કરવાનો નિર્ણય નાછૂટકે લેવો પડ્યો છે.
બન્યું છે એવું કે યુએસના મસૂરી રાજ્યના સેન્ટ લૂઈ નામના શહેરના પ્રાણી સંગ્રહાલયમાં ૩૧ વર્ષ પહેલા જન્મેલા ગજરાજને ૮૦૦ કિલોમિટર દૂર યુએસના ઓહાયો રાજ્યના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ના, રાજાએ કોઈ તોફાન-મસ્તી નથી કર્યા.
નવા પ્રાણી સંગ્રહાલયમાં રાજા ત્યાં વસવાટ કરતી ચાર હાથણી સાથે સંવનન કરી મદનિયાને જન્મ આપી વંશવેલો આગળ વધારે એવી તમન્ના સંગ્રહાલયના અધિકારીઓની છે.
અહીં જાણવા જેવી વાત એ છે કે રાજા સેન્ટ લૂઈ પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલો પ્રથમ હાથી છે. અંદાજે ૪૫૦૦ કિલો વજનના રાજાના બર્થ-ડેના દિવસે (૨૭ ડિસેમ્બર) મહેરામણ ઊમટે છે એને શુભેચ્છા
આપવા ગીત ગવાય- જલસા કરાય અને એક
મોટા કદના બર્થ-ડે કાર્ડ પર એને વિશ પણ કરવામાં આવે.
એની વિદાયને પગલે એક આંખમાં વિરહના આંસુ છે તો બીજી આંખમાં જેની પ્રજાતિ ઘટી રહી છે એવા એશિયન હાથીનો વંશવેલો આગળ વધશે એનો આનંદ ડોકિયાં કરે છે.