બાંગલાદેશની અનોખી ચૂંટણી મતદાન પહેલાં જ પરિણામ જગજાહેર..!
શેખ હસીનાની ચોથી મુદત ભારતને કેટલી ફળશે?
પ્રાસંગિક -અમૂલ દવે
બાંગલાદેશમાં એક અનોખા પ્રકારની સામાન્ય ચૂંટણી સાત જાન્યુઆરી- રવિવારે થવાની છે.
આ ચૂંટણીમાં સમ ખાવા જેટલી પણ ઉત્તેજના કે રસ નથી. કારણ શોધવા માટે ગામ ગજાવાની જરૂર નથી. ચૂંટણી યોજાય એ પહેલાં જ રિઝલ્ટ આવી ગયું છે કે શાસક પક્ષ ‘અવામી લીગ’ એકદમ સહજતાથી-સરળતાથી ચૂંટણી જીતી જશે ને શેખ હસીના આસાનીથી ચોથી મુદત માટે વડાં પ્રધાન બનશે. આવી એકપક્ષી અને રસાકસી વિહોણી ચૂંટણીનું કારણ એ છે કે મુખ્ય વિરોધી પક્ષ ‘બાંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ (બીએનપી)એ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે આને લીધે શાસક પક્ષને મોકળું મેદાન મળી ગયું છે. ચૂંટણી પહેલાં જ શાસક પક્ષે ‘બીએનપી’ ચૂંટણીમાં ભાગ ન લે એ માટેનો તખ્તો ગોઠવી દીધો હતો.
૨૩ ઓક્ટોબરે સરકારે ‘અંસાર બટાલિયન વિધેયક- ૨૦૨૩’ અમલમાં મૂક્યો. આ કાયદો અર્ધસૈનિક દળ ‘અંસાર’ને સંદિગ્ધના ઘરે ધૂસીને ધરપકડ કરવાનો અને પોલીસને સોંપવાનો અધિકાર આપે છે. આ કાયદાનો ઉપયોગ કરીને હસીના સરકારે મોટાભાગના વિરોધી પક્ષના નેતાઓને જેલમાં ધકેલી દીધા છે. આ દેશની ૬૮ જેટલી જેલ તેની ક્ષમતા કરતાં બમણી ભરાયેલી છે. ‘અવામી લીગ’નાં નેતા અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાની મુખ્ય માગણી એ હતી કે શેખ હસીના ચૂંટણી પહેલાં રાજીનામું આપીને કાર્યવાહક સરકારની રચના કરે, જેથી ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ રીતે થઈ શકે. શેખ હસીનાએ આ માંગણી ફગાવી દીધી. આથી ‘બીએનપી’એ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. રાજકીય નિષ્ણાતોનું અનુમાન છે કે શેખ હસીના ચૂંટણી જીતવા દરેક યુકિત અજમાવશે. બાંગલાદેશની સંસદમાં કુલ ૩૦૦ બેઠક છે અને જીત માટે જાદુઈ આંકડો ૧૫૧ બેઠકનો છે. ગયા વખતે અવામી લીગે ૨૫૭ બેઠક જીતી હતી.
આ ચૂંટણી એ રીતે પણ અનોખી છે કે આમાં ભારત- ચીન- રશિયા એક બાજુએ છે અને અમેરિકા સામે પક્ષે છે. ભારત શેખ હસીનાની પડખે હોય એ સ્વાભાવિક છે. ૧૯૭૧માં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતે યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટા કરી દીધા હતા અને પાકિસ્તાનના બે ભાગલા કરી દીધા હતા. નવા જન્મેલા દેશ બાંગલાદેશના વડા પ્રધાન શેખ મુજીબુર રહેમાન બન્યા, પરંતુ ૧૯૭૫માં એમની અને પરિવારના અન્ય સભ્યોની નિર્મમ હત્યા કરવામાં આવી. શેખ હસીના ૧૯૯૬માં પહેલી વાર સત્તામાં આવ્યાં હતાં. એમનાં પક્ષે ૧૯૭૫થી ૧૯૯૬ સુધી એવા દુષ્પ્રચારનો સામનો કરવો પડ્યો હતો કે એમાનો પક્ષ હિન્દતરફી અને ભારતતરફી પાર્ટી છે.
બાંગલાદેશમાં ભારતે જંગી રોકાણ કર્યું છે અને મોદી સરકાર હસીના સાથે સારા સંબંધ ધરાવે છે તો બીજી તરફ્, બાંગલાદેશમાં ચીનનો રસ પણ ઘણો વધી ગયો છે. અહીંના અનેક પ્રોજેક્ટ ચીનને મળ્યા છે અને એમાં પણ હસીનાને ટેકો છે.
રશિયા પણ આ દેશમાં કમર્શિયલ ઈન્ટ્રેસ્ટ ધરાવે છે. રુપપુરમાં ૨૪૦૦ મેગાવોટના અણુ ઊર્જા પ્રકલ્પમાં રશિયાનો ટેકો બાંગલાદેશને મળ્યો છે. આથી હસીનાને રશિયાનું પણ જબરદસ્ત સમર્થન છે. બીજી બાજુ, અમેરિકાને હસીના હરીફ નંબર – વન ગણે છે. બાઈડન પ્રશાસને ચૂટણી પહેલાં બાંગલાદેશ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. અમેરિકાએ જાહેરાત કરી હતી કે એ બાંગલાદેશમાં લોકતાંત્રિક ચૂંટણીને નબળી પાડનારાઓ લોકોના વિઝા પર પ્રતિબંધ મૂકશે.
હસીનાએ તો સંસદમાં એવો આક્ષેપ કર્યો છે કે અમેરિકા એમને હટાવવા માગે છે. હસીનાએ એવો પણ આરોપ મૂક્યો છે કે નોબલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસે અમેરિકાને એ હદ સુધી પ્રભાવિત કર્યા છે કે એને લીધે બાંગલાદેશને વિશ્ર્વ બેંક તરફથી મળનારી સહાય અટકી ગઈ છે. જો કે, હસીનાએ આનો બદલો લીધો છે તાજેતરમાં લેબર કોર્ટે યુનુસને છ મહિનાની કેદની સજા ફટકારી છે…
સમગ્ર રીતે જોઈએ તો હસીનાના વિજયમાં ભારતનું ભલું છે. હસીનાએ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે પોતાની જીત્યા બાદ ભારત સાથેના સંબંધોને વધુ સુદૃઢ અને સકારાત્મક બનાવવામાં આવશે. ચૂંટણી ઘોષણા પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારત સાથે સરહદનું સીમાંકન અને પરિક્ષેત્રોના આદાનપ્રદાન સુંદર રીતે પાર પાડવામાં આવ્યું છે. તે ભારત સાથે વધુ સુમેળભર્યા- મૈત્રિપૂર્ણ સંબંધો ઈચ્છે છે.
બાંગલાદેશમાં ‘અવામી લીગ’ એકમાત્ર સેક્યુલર પાર્ટી છે, આથી પણ ભારત એને ટેકો આપે છે. બાંગલાદેશમાં હિન્દુઓની ખાસ્સી વસતિ છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે ત્યાં
હિન્દુઓની વસતિ સતત ઘટી રહી છે. ૧૯૫૧માં હિન્દુઓ કુલ વસતિના ૨૨ ટકા હતા, પરંતુ ૨૦૨૨માં આ ટકાવારી ઘટીને આઠ ટકા થઈ હતી. જ્યારે મુસ્લિમોની ટકાવારી ૭૬ ટકાથી વધીને ૯૧ ટકા થઈ છે.
૧૯૬૪થી ૨૦૧૩ સુધી ૧ કરોડથી વધુ હિન્દુઓ ધાર્મિક અત્યાચારથી ત્રાસીને બાંગલાદેશ છોડી ગયા છે. ‘બીએનએન’ કટ્ટર જમણેરી પાર્ટી છે એમાં ખાલીદાના શાસનમાં કટરવાદીઓને છૂટોદોર મળી ગયો પછી અનેક હિન્દુઓની કતલેઆમ થઈ હતી. આ જ કારણથી હિન્દુઓ પાસે હસીનાને ટેકો આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
ટૂંકમાં કે શેખ હસીના આસાનીથી સામાન્ય ચૂંટણી જીતી લેશે પછી આપણે આશા રાખીએ કે એમની ચોથી મુદતમાં આ દેશ શ્રીલંકા કે માલદીવની માફક ચીનનું પ્યાદું ન બની જાય.