મુંબઈની કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ શરૂ થશે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
મુંબઈ: મુંબઈ મહાપાલિકાની કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી શરૂ કરવામાં આવી છે. આ સર્જરી માટે હોસ્પિટલમાં આઠ આઇસીયુ બેડની સુવિધા પણ ઊભા કરવામાં આવ્યા છે.
કેઇએમ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવતી લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી વિશે વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ માહિતી આપી હતી. મહાપાલિકાની કેઇએમ હોસ્પિટલમાં કોવિડને કારણે આ સુવિધાને બંધ કરવામાં આવી હતી, જેથી ગયા ત્રણ વર્ષથી હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી નહોતી.
કેઇએમ હોસ્પિટલને આપવામાં આવેલા લીવર ટ્રાન્સપ્લાન્ટનું લાઈસેન્સ પણ સમાપ્ત થઈ ગયું હતું. હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ લાઈસન્સને રિન્યુ કરવામાં આવ્યું છે, જેથી લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને ફરી શરૂ કરવામાં આવવાની છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવા માટે કેઇએમ હોસ્પિટલમાં ડોક્ટરની પણ નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દીઓને આઇસીયુ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે, જેથી હોસ્પિટલમાં નવા આઇસીયુ વોર્ડ બનાવવાની સાથે બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે અઠવાડિયામાં આઇસીયુ વોર્ડ બનીને તૈયાર થઈ જશે અને આગામી સમયમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને શરૂ કરવામાં આવશે, જેથી દર્દીઓને મોટી રાહત મળશે.
હિપેટોલોજી અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સર્જરી વિભાગના ડોક્ટરો પણ લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરશે. હાલમાં મુંબઈમાં 44 દર્દી લીવર ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. કેઇએમમાં ટ્રાન્સપ્લાન્ટની સેવા શરૂ થતાં બાદ 23 દર્દીના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. લીવર ટ્રાન્સપ્લાન્ટની સેવાઓ બંધ થતાં પહેલા કેઇએમ હોસ્પિટલમાં 19 લીવર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી હતી.