જમ્મુ-કાશ્મીર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલાઓ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને લગતા મુદ્દાઓને અંગે ચર્ચા થઇ હતી.
બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અંગે ભાર મુક્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, આર્મી અને સીઆરપીએફ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા માટે જે તાલમેલ હોવો જોઇએ તેને વધુ બહેતર બનાવવાની દિશામાં કામ કરવા અંગે ગૃહપ્રધાને જણાવ્યું હતું. ગૃહપ્રધાન વિસ્તાર આધિપત્ય યોજના, શૂન્ય-આતંક યોજના, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, UAPA સંબંધિત કેસ અને અન્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓની પણ બેઠકમાં સમીક્ષા કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે આતંકવાદીઓના સમર્થન અને માહિતી પ્રણાલીને સંપૂર્ણપણે ખતમ કરવા માટે 360-ડિગ્રી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્ય સચિવ અટલ દુલ્લુ, રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડીજી દિનકર ગુપ્તા, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના મહાનિદેશકો, ગૃહ મંત્રાલય અને જમ્મુ અને કાશ્મીરના અન્ય સંબંધિત અધિકારીઓ સહિત બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા અને આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ હાજર હતા.
ડિસેમ્બર 2023માં રાજૌરીના પુંચ ક્ષેત્રમાં ડેરા કી ગલીમાંથી પસાર થતા સેનાના બે વાહનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા પછી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. આ ઘટનાના દિવસો બાદ આ બેઠક યોજાઈ હતી.
પીર પંજાલ કે જેમાં પુંછ અને રિયાસી જિલ્લાના ભાગો ઉપરાંત રાજૌરી જિલ્લાનો પણ સમાવેશ થાય છે, તેમાં તાજેતરના વર્ષોમાં આતંકવાદની ઘટનાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે, જેમાં આ પ્રદેશમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કર્યા પછી ઘણા સૈન્ય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, એમ સુરક્ષા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.
Taboola Feed