આમચી મુંબઈ

ગોવંડીમાં દુકાનોમાં લાગી આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોવંડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી ત્રણથી ચાર દુકાનોમાં મંગળવારે બપોરના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાનો બનાવ બન્યો નહોતો. પરંતુ ત્રણથી ચાર દુકાનોને નુકસાન થયું હતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ગોવંડીમાં ઝાકીર હુસેન નગરમાં વસતી શૌચાલય નજીક ઝૂંપડપટ્ટીમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના ગાળામાં મંગળવારે બપોરના ૩.૧૫ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપભેર બાજુમાં આવેલા અન્ય ત્રણથી ચાર ગાળામાં ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ચાર ફાયર ઍન્જિન અને અન્ય વાહનો પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

લગભગ ૧૫૦ ફૂટ બાય ૧૦૦ ફૂટના ગાળાઓમાં રહેલી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, ભંગારનો સમાન, કાર્ડબોર્ડ પેપર વગેરે સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગ સાંજના લગભગ ૫.૪૫ વાગ્યાની આસપાસ નિયંત્રણમાં આવી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલુ હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button