ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયાને આપી મહત્ત્વની સલાહ

નવી દિલ્હીઃ નવા વર્ષની શરુઆત થઈ છે ત્યારે ટીમ ઈન્ડિયા માટે 2023નું વર્ષ સારી-નરસી યાદોનું રહ્યું હતું. નવા વર્ષ દરમિયાન ભારતીય ટીમે ખાસ કરીને આક્રમક ઈનિંગ રમવા માટે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, એવું ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે જણાવ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર ઈરફાન પઠાણનું માનવું છે કે ભારતે 2024માં તેના ઝડપી બોલિંગ આક્રમણની ‘બેન્ચ સ્ટ્રેન્થ’ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ઝડપી બોલિંગની નબળાઇ પુરવાર થઇ હતી.
ભારતને પહેલી ટેસ્ટ મેચમાં મોહમ્મદ શમીની ખૂબ ખોટ પડી હતી અને આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈજાઓથી પરેશાન જસપ્રીત બુમરાહને શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરોનો પૂરતો સહકાર મળ્યો નહોતો.
પઠાણે તાજેતરમાં કહ્યું હતું કે ભારતને 2024માં ઝડપી બોલરોનું એક સારું યુનિટ તૈયાર કરવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકામાં શું થયું તે આપણે બધાએ જોયું. આપણા ‘બેકઅપ’ બોલરો તૈયાર ન હતા. આપણે શમીને ખૂબ મિસ કર્યો હતો.
જો આપણે ઝડપી બોલરોની મોટી બેચ તૈયાર નહીં કરીએ, તો આપણને તેમના (બુમરાહ અને શમી) જેવા સારા ઝડપી બોલરો નહીં મળે. તમારી પાસે હંમેશાં ઉચ્ચ સ્તર પર રમવા માટે ઓછામાં ઓછા સાત કે આઠ ઝડપી બોલરો તૈયાર હોવા જોઈએ.