વડોદરાથી 108 ફૂટ લાંબી ધૂપસળી અયોધ્યા માટે રવાના, આખો હાઇવે જયશ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યો
3500 કિલો વજનની ધૂપસળી 12 હજાર કિમીનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે
વડોદરા: અયોધ્યામાં ભવ્ય રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં સહભાગી થવા લગભગ દરેક રાજ્યોમાંથી રામભક્તો દ્વારા દાન-ધર્મ તથા અવનવી ચીજવસ્તુઓ મોકલવામાં આવી રહી છે, ત્યારે વડોદરાથી 108 ફૂટ લાંબી ધૂપસળી/અગરબત્તીને અયોધ્યા માટે રવાના કરાઇ છે, જેને અયોધ્યાના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાશે.
આશરે 3500 કિલો વજન ધરાવતી અગરબત્તીને એક વિશાળ ટ્રકમાં ગોઠવી વડોદરાથી રવાના કરાઇ હતી, તેનું રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ભક્તો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ટ્રક પહોચ્યાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક સાધુસંતો તથા સમાજના આગેવાનોએ સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો. જયશ્રી રામના નારા લગાવી ટ્રકની પૂજા પણ કરવામાં આવી હતી. યજ્ઞમાં વાપરવામાં આવતી તમામ સામગ્રીનો ઉપયોગ કરીને આ અગરબત્તી બનાવવામાં આવી છે. ડી.જે.ના તાલે નાચી નગરજનોએ અગરબત્તીનું સ્વાગત કર્યું હતું. ત્યારે યુવા સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી અગરબત્તીનાં દર્શન કરી નગરજનો અભીભૂત થયા હતા. એ પછી ટ્રકને આગળ રવાના કરી દેવાયો હતો. હાઇવે પર પણ જયશ્રી રામના નાદ સાથે ટ્રકને આગળ લઇ જવાઇ રહ્યો છે, પસાર થતા લોકો પણ ટ્રકની તસવીરો તથા વીડિયો લેતા જોવા મળ્યા હતા.
આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઇ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરનું છીણ, જવ, 280 કિલો તલ ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો હતો, તેમ ગોપાલકે જણાવ્યું હતું.