જુના જોગીઓને પાછા મેદાનમાં ઉતારાશે?
રાજકોટ: સંસદની ચૂંટણી જ્યારે દરવાજે ટકોરા મારી રહી છે.ત્યારે ભાજપ તન મન ધન થી 400 નો આંકડો પાર કરવા માટે તૈયારીમાં લાગી ગઈ છે.વિપક્ષો હજુ ગઠબંધન ગઠબંધન રમી રહ્યા છે. દિશાહીન વિપક્ષો ઉમેદવારો ક્યારે નક્કી કરશે તે તો દૂરની વાત છે.પરંતુ ભાજપે વ્યુહરચના ગોઠવવા માંડી છે.
સૂત્રો અનુસાર આ વખતે 10 થી 12 ધારાસભ્યો ને સંસદની ટિકિટ આપી અને ગુજરાતમાં લડાવવામાં આવશે.સ્વાભાવિક છે કે ગુજરાતમાં કોઈ પ્રતિસ્પર્ધી છે નહીં એટલે ચૂંટાશે અને ખાલી પડેલી ધારાસભ્યોની જગ્યા પર વિસરાઈ ગયેલા ખૂણામાં ધકેલાઈ ગયેલા જુના નેતાઓને ફરી ધારાસભા લડાવી અને મેદાનમાં ઉતારશે. ભલે તે સિનિયર નેતાઓનો ચહેરો નાના-મોટા કારણે ખરડાયેલો હોય.
ભાજપની વ્યુહ રચના જબરજસ્ત હોય છે. એક તો જુના જોગીઓ સંસદમાં લડતા ઉમેદવારોને નડે નહીં.કારણકે ખાલી પડેલી જગ્યા પર તેમને લડવા મળે.બીજું હાલનું મંત્રીમંડળ એમ કહેવાય છે કે કામગીરી બજાવવામાં બિન અનુભવી સાબિત થયું છે.તેવા સંજોગોમાં જુના જોગીઓને અને અનુભવીઓને મંત્રીમંડળમાં લઈ અને લોકોની એ ફરિયાદ દૂર કરવા નો પ્રયાસ થશે.
હાલ સમગ્ર દેશમાં 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એક જ મુદ્દો છે.અને તે ચૂંટણીમાં પણ ભારતીય જનતા પક્ષને પૂરેપૂરો કામ આવશે. વિરોધ પક્ષો વિરોધ કરી શકતા નથી કારણ કે સોફ્ટ હિન્દુ મોજુ પ્રસરી રહ્યું છે.ત્યારે મોટી વોટ બેન્ક ને ગેરહાજર રહી અને નારાજ કરવું પોસાય તેમ નથી.
ગત ધારાસભાના ઉમેદવારોમાં લગભગ સિનિયર નેતાઓને બાદ કરી અને નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા હતા.અચાનક પોતાની બાદબાકી થતા ઘણા સિનિયર નેતાઓ નારાજ પણ થયા હતા. અને અંદરખાને તેમણે વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. પરંતુ પરિણામ પર અસર પડી ન હતી. કારણ કે ભારતીય જનતા પક્ષ એક જ નામ ઉપર લડે છે અને એ છે નરેન્દ્ર મોદી.જ્યાં સુધી સત્તા પર નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી બીજા બધા જ મુદ્દાઓ ગૌણ થઈ જાય છે. પરંતુ મોવડી મંડળના ધ્યાનમાં દરેક વસ્તુ આવે જ છે.
ગુજરાતના આવા મુદ્દાઓ વાયા કમલમ દિલ્હી સુધી પહોંચે છે. અને ગમે તેવા સિનિયર નેતાઓ હોય તેઓને શાનમાં સમજાવી પણ શકે છે.પરંતુ આ વખતની ચૂંટણી 400 ને પાર કરવાની આરપાર ની લડાઈ છે.તેવા સંજોગોમાં ભાજપ એક પણ મુદ્દો છૂટી જાય તેવું ઇચ્છતી નથી. એટલે તમામ સિનિયર નેતાઓને સાચવી લેવાનો વ્યુ ઘડાઈ રહ્યો છે તેવું જાણવા મળે છે.
પ્રજાના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે સંસદની ચૂંટણીમાં ધારાસભ્યોને લડાવી ચૂંટાવી અને જગ્યા ફરી ખાલી પડે એટલે ફરીથી ચૂંટણી કરાવી નવા લોકોને (આમ તો જૂના જ) ચુંટાવા માટે ચૂંટણી માથે થોપવામાં આવે છે. એવો કોઈક નિયમ હોવો જોઈએ કે પ્રજાના પૈસાનો આવો દૂર ઉપયોગ અટકે.કારણ કે જે બેઠકો ખાલી પડશે તેના પર ચૂંટણીનો ખર્ચ જે તે પક્ષ નથી ભોગવતી પરંતુ સરકાર ભોગવે છે.અને તે પ્રજાના ટેક્સનો પૈસો છે.
પરંતુ હાલ એવો કોઈ વિરોધ પક્ષ નથી.જે આ બધી વાતનો વિરોધ કરી શકે. એક વાત એ પણ જોવા મળે છે કે પક્ષ પલટો કરી અને આવેલા ઉમેદવારોને ભાજપમાં ઘી કેળા થઈ જાય છે.અને વર્ષોથી પક્ષ માટે કાર્ય કરતા પાયાના કાર્યકરોને જોઈએ તેવો જરૂરી લાભ મળતો નથી. અંતે તો કંઈક પામવા માટે જ લોકો મહેનત કરતા હોય છે.પરંતુ હાલ ભારતીય જનતા પક્ષનો કોઈ વિકલ્પ દેખાતો નથી.એટલે પ્રજાની આ ચર્ચા અસ્થાને છે.