Rammandir: માતાને પણ નથી બતાવી રામલલ્લાની મૂર્તિ, જાણો શિલ્પકાર વિશે
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. શિલ્પકાર યોગીરાજની માતાએ તેને ખુશીની ક્ષણ ગણાવી છે.
મીડિયા સાથે વાત કરતા યોગીરાજની માતા સરસ્વતીએ કહ્યું, કે આ અમારા માટે ખુશીની ક્ષણ છે. હું તેને મૂર્તિ બનાવતી જોવા મગતી હતી, પરંતુ તેણે કહ્યું કે તે મને છેલ્લા દિવસે લઈ જશે. હું સ્થાપના દિવસ પર જઈશ. હું મારા પુત્રની પ્રગતિ અને સફળતા જોઈને ખૂબ જ ખુશ છું. તેની સફળતા જોવા માટે તેના પિતા અમારી સાથે નથી. મારા પુત્રને અયોધ્યા ગયાને છ મહિના થયા છે. મૂર્તિની ગુપ્તતા જળવાઈ રહે તે માટે માતાને પણ મૂર્તિ બતાવવામાં આવી ન હતી.
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ પણ શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાના વખાણ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને કહ્યું, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. આપણા દેશના જાણીતા શિલ્પકાર, આપણા ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. રામ અને હનુમાન વચ્ચેના અતૂટ સંબંધનું આ બીજું ઉદાહરણ છે. તેમાં કોઈ શંકા નથી કે હનુમાનની ભૂમિ કર્ણાટકની આ એક સેવા છે.
યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તેમની ઘણી ફેન ફોલોઈંગ છે. પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર અરુણ યોગીરાજ, 37, મૈસુરના મહેલના કારીગરોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કર્યું છે. MBAનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. એમબીએની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેણે એક ખાનગી કંપનીમાં પણ કામ કર્યું, પરંતુ શિલ્પકાર બનવા માટે 2008 માં નોકરી છોડી દીધી હતી.
અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા ઉપરાંત, યોગીરાજે મહારાજા જયચમરાજેન્દ્ર વાડેયરની 14.5 ફૂટની સફેદ આરસની પ્રતિમા, મહારાજા શ્રી કૃષ્ણરાજા વાડેયર-IV અને મૈસુરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ આરસની મૂર્તિઓ પણ બનાવી છે. તેમણે ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ કોતરેલી છે. જોકે રામ મંદિરના પૂજારીએ મૂર્તિના ચયન વિશે હાલમાં કંઈ ન કહેવાનું પસંદ કર્યું હતું.