સ્પોર્ટસ

યાદ કીયા દિલ ને… : દેશનો સૌથી સ્ટાઈલિસ્ટ ક્રિકેટર જે ક્રિકેટના મેદાનમાં જ…

ઘણા લોકોનું જીવન ખૂબ જ ટૂંકુ હોય છે તે લાંબુ જીવતા નથી, પરંતુ લોકોના હૃદયમાં હંમેશાં વસેલા રહે છે. ક્રિકેટરોમાં પણ ઘણા એવા ક્રિકેટર્સ છે જેમણે ભલે ઓછી મેચ કે ઓછી ઈનિંગ્સ રમી હોય પણ તે એવી રમી હોય કે લોકો તેને યાદ કરે. આજે એવા એક ભારતીય ક્રિકેટરનો જન્મદિવસ છે જે સૌથી સ્ટાલિસ્ટ બેટ્સમેન તરીકે ઓળખાતો અને ફેન્સમાં ખૂબ પ્રિય હતો. પોતાની બેટિંગ સ્ટાઈલને લીધે તે ક્રિઝ પર હોય ત્યારે પ્રેક્ષકોની નજર તેના પર ટકેલી રહેતી. જોકે કમનસીબે ક્રિકેટનું મેદાન જ તેની મરણપથયારી બની અને 38 વર્ષની નાની ઉંમરે જ તેનું મોત થયું. વાત કરી રહ્યા છે રમણ લાંબાની.

ઉત્તર પ્રદેશના મેરઠમાં 2જી જાન્યુઆરી, 1960માં જન્મેલા રમણ લાંબા તેમના સમયના સૌથી સ્ટાઇલિસ્ટ ખેલાડીઓમાંના એક ગણાતા હતા. પરંતુ બાંગ્લાદેશમાં એક લીગ દરમિયાન તેને માથા પર બોલ વાગતા તેનું મોત થયું હતું.


ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઘણા એવા ખેલાડીઓ રહ્યા છે, જેઓ થોડા સમય માટે પોતાની પ્રતિભા દેખાડવામાં સફળ રહ્યા છે અને તેમની છાપ હંમેશા ચાહકોના દિલમાં રહી હતી. રમણા લાંબાની કરિયરની શરૂઆત એવી રીતે કરી કે દરેક તેના ફેન બની ગય.


ભલે ક્રિકેટર રમણ લાંબાનું નામ મહાન ક્રિકેટરોમાં સામેલ ન થઈ શક્યું, પરંતુ તેમનો પ્રભાવ હંમેશા અકબંધ રહ્યો. ચાર ટેસ્ટ મેચ અને 32 વન ડે રમી ચૂકેલા રમણ લાંબાએ પહેલી જ ઈનિંગમાં 64 રન ઓપનર તરીકે કર્યા હતા અને ઈન્ટરનેશનલ કરિયરની છઠ્ઠી ઈનિંગમાં સેન્ચ્યુરી મારી હતી. આ પહેલા રણજી ટ્રોફી અને દિલીપ ટ્રોફીમાં તેણે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

20 ફેબ્રુઆરી, 1998ના રોજ બાંગ્લાદશના ઢાંકામાં તે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ઑવરના માત્ર ત્રણ બોલ બાકી હોવાથી ફોરર્વડ શૉર્ટ લેગ પર તે ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. ત્રણ જ બૉલ બાકી હોવાથી તેણે હેલ્મેટ પહેર્યું ન હતું અને સ્પિનર ​​સૈફુલ્લાહ ખાને બોલિંગ કરી અને બેટ્સમેન મરહબ હોસૈને બોલને હીટ કર્યો અને બોલ તેના કાનની ઉપર માથાના ભાગ પર લાગ્યો. તે પડ્યો અને તેણે એટલે કહ્યું યાર મૈં તો મર ગયા…બસ. તે સમયે કોઈને ખબર ન હતી કે તેના આ શબ્દો સાચા પડશે. બહુ ગંભીર ન લાગતી આ ઈજાને લીધે તે કૉમામાં સરકી પડ્યો અને ત્રણ દિવસ બાદ મૃત્યુ પામ્યો. રમણ લાંબાએ આઈરીશ મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ મહિલા લગ્ન બાદ બન્ને સંતાનો સાથે પોર્ટ્ગલમાં સેટ થઈ હોવાનુ્ં મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. તેલુગુમાં અને પછી હિન્દીમાં શાહિદ કપૂરને ચમકાવતી ફિલ્મ જર્સી તેમના જીવન પરથી બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
રમણ લાંબા ક્રિકેટપ્રેમીઓના હૃદયમાં હંમેશાં રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button