રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું જોખમ!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બદલાતા વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને કરાને કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. હવે નવા વર્ષમાં પણ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ માથે ઊભું થયું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં થયેલા ફેરફારને કારણે અઠવાડિયાની શરૂઆતમાં જ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાનો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે.
હાલ સમગ્ર દેશમાં હવામાનમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા અનેક દિવસથી વિદર્ભમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યો છે. તો ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા જણાતી હતી. પરંતુ હવામાનમાં ફરી એક વખત ફેરફાર થતા કમોસમી વરસાદનું જોખમ નિર્માણ થયું છે.
હવામાનમાં થયેલા ફેરફારને કારણે આગામી બે દિવસમાં વિદર્ભમાં તેમ જ મધ્ય મહારાષ્ટ્રમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. પુણેમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો મધ્ય મહારાષ્ટ્રના અને વિદર્ભના નાગપૂર સહિત ૨૨ જિલ્લામાં વાદળિયું વાતાવરણ રહેશે.