એકસ્ટ્રા અફેર

કુશ્તીબાજોની અપરિપક્વતા, મેડલ પાછા આપવાની શું જરૂર?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કેન્દ્રના રમતગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના નવા ચૂંટાયેલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરીને તેનો વહીવટ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને સોંપી દીધો એ પછી પણ કુશ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. કુશ્તીબાજો હવે પોતાના અવોર્ડ પાછા આપી રહ્યા છે ને તેના કારણે નવો વિવાદ ખડો થઈ રહ્યો છે. આ વિવાદનું કારણ બ્રિજભૂષણ શરણસિંહના સમર્થકો છે કે જે સોશિયલ મીડિયા પર કુશ્તીબાજોને ગદ્દાર અને દેશદ્રોહી ગણાવીને ટીકાઓનો મારો ચલાવી રહ્યા છે.

ફેડરેશનના પ્રમુખપદે બ્રિજભૂષણના માનીતા સંજયસિંહ ચૂંટાયા પછી ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલી જ્યારે બીજા ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી અવોર્ડ પાછો આપવાનું એલાન કરેલું. બજરંગ પુનિયા પોતાનો મેડલ વડા પ્રધાનના ઘરની બહાર ફૂટપાથ પર મૂકીને પાછા જતા રહેલા. એ પછી બીજા કુશ્તીબાજ ગૂંગા પહેલવાન તરીકે જાણીતા વિરેન્દ્રસિંહ યાદવે પણ અવોર્ડ પાછો આપવાની જાહેરાત કરેલી. તેના પગલે કુશ્તીબાજોને દેશદ્રોહી અને ગદ્દાર ગણાવતી ટીકાઓનો મારો શરૂ થઈ ગયેલો.

મોદી સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને નવા ચૂંટાયેલા હોદ્દેદારોને જ સસ્પેન્ડ કરી દીધા છે. કેન્દ્ર સરકારના આદેશના પગલે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને ફેડરેશનના સંચાલન માટે ભૂપેન્દ્ર બાજવાના પ્રમુખપદે એડહોક કમિટીની રચના કરી છે. બાજવા ભાજપના માણસ છે પણ નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવે છે તેથી તેમની નિમણૂક યોગ્ય છે. બાજવા ઉપરાંત ૧૯૮૦ની ભારતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા હોકી ટીમના સભ્ય એમ.એમ. સોમયા અને ૧૯૮૬ની કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારાં બેડમિન્ટ પ્લેયર મંજુષા કંવર આ સમિતિનાં સભ્ય છે.

આ ત્રણેય સભ્યોમાં કંઈ કહેવાપણું નથી તેથી કુશ્તીબાજોને તેની સામે ફરિયાદ નથી પણ બ્રિજભૂષણ આણિ મંડળ સખણી રહેતી નથી તેથી ભડકેલાં કુશ્તીબાજ વિનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પાનાનો પત્ર લખ્યો હતો. આ પત્રમાં વિનેશે ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા ને વિનંતી કરી હતી કે, વડા પ્રધાન તેમને માત્ર પાંચ જ મિનિટ ફાળવે પણ પીએમઓ તરફથી કોઈ જવાબ ના મળતાં વિનેશે પોતાનો ખેલરત્ન અને અર્જુન અવોર્ડ પાછો આપી દીધો. વિનેશ શનિવારે અવોર્ડ પાછો આપવા માટે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસે જઈ રહી હતી પણ પોલીસે તેને રોકતાં વિનેશે કર્તવ્યપથ પર અવોર્ડને જમીન પર મૂકી દીધો અને હાથ જોડીને પાછાં ફરી ગયાં.

આ ઘટનાક્રમ દુખ:દ કહેવાય કેમ કે ફેડરેશનમાંથી બ્રિજભૂષણ શરણસિંહની ટોળકીની વિદાય પછી પણ વિવાદ શમતો નથી. તેના માટે કુશ્તીબાજો અને સરકાર બંને જવાબદાર છે ને વાસ્તવમાં બંને અપરિપક્વ રીતે વર્તી રહ્યાં છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે, બંનેએ આ મુદ્દાને અહમનો મુદ્દો બનાવી દીધો છે.

બ્રિજભૂષણના નજીકના સાથી સંજય સિંહ ફેડરેશનના નવા પ્રમુખ માટે ચૂંટાયા એ વખતે કુશ્તીબાજોએ વિરોધ દર્શાવ્યો એ યોગ્ય હતો કેમ કે કેન્દ્ર સરકારે બ્રિજભૂષણના સાથીઓને ફેડરેશનથી દૂર રાખવાનું વચન આપેલું. એ છતાં કઈ રીતે ફેડરેશન પર બ્રિજભૂષણના માણસોનો કબજો થઈ ગયો એ મોટો સવાલ છે પણ તેનું નિરાકરણ કેન્દ્ર સરકારે નવા ચૂંટાયેલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરીને લાવી દીધું પછી ચર્ચાનો મતલબ નથી.

ફેડરેશનની ચૂંટણીમાં બ્રિજભૂષણના જ માણસો ઊભા રહ્યા છે એ વાતની કુશ્તીબાજોને ખબર હતી જ પણ તેમને રાજ્યોનાં કુશ્તી સંઘોનો ટેકો મળવાની આશા હશે તેથી ચૂપ રહેલાં. બાકી પહેલા જ તેમણે એ મુદ્દો ઉઠાવવો જોઈતો હતો. એ લોકોએ મુદ્દો ના ઉઠાવ્યો તેમાં સરકારે કશું ના કર્યું તેથી બ્રિજભૂષણના માણસો ચૂંટાઈ ગયા તેમાં સરકારનો વાંક નહોતો. એ છતાં સરકારની નજર બહાર વાત ગઈ હશે એમ સમજીને તેને ભૂલ માનીએ તો પણ એ ભૂલ સરકારે સુધારવા પગલું ભર્યું પછી એ મુદ્દો સમાપ્ત થઈ જવો જોઈએ.
કેન્દ્ર સરકારે તો એક પગલું આગળ વધીને ફેડરેશનની ઓફિસ બ્રિજભૂષણના ઘરેથી ચાલતી હતી તેનો પણ વીંટો વળાવી દીધો છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક બ્રિજભૂષણને ઘરેથી ફેડરેશનને લગતા બધા દસ્તાવેજો પણ મગાવી લીધા પછી તો કંઈ કહેવાપણું જ નહોતું રહ્યું. સરકારે ફેડરેશનના વહીવટ માટે નવી સમિતિ બનાવી તેમાં પણ બે સ્પોર્ટ્સપર્સનને નિમ્યા પછી સરકારની નિષ્ઠા વિશે શંકા ના કરી શકાય.

આ સંજોગોમાં કુશ્તીબાજોએ સમજદારીથી વર્તવાની જરૂર હતી. એ લોકોએ સમજવાની જરૂર હતી કે, મેડલ કંઈ કોઈ પક્ષની સરકાર નથી આપતી પણ દેશ આપે છે ને એ દેશને ગૌરવ અપાવવા બદલ અપાય છે. આ સંજોગોમાં મેડલ પાછા આપવા એ યોગ્ય રસ્તો નથી જ. બીજી જે પણ સમસ્યા હોય તેને સરકાર સામે રજૂ કરી શકાય પણ મેડલ પાછા ના આપવા જોઈએ ને કુશ્તીબાજોની આ અપરિપક્વતા કહેવાય.

કેન્દ્ર સરકારે પણ કુશ્તીબાજોની વાત સાંભળવી જોઈએ કેમ કે એ લોકો દેશને ગૌરવ અપાવનારા લોકો છે. બ્રિજભૂષણ આણિ મંડળી તેમને ચોક્કસ રાજકીય પક્ષના હાથા ગણાવવા સહિતના આક્ષેપો કરે છે એ વાહિયાત છે. દેશ માટે રમવા ઉતર્યા ત્યારે એ લોકો કોઈ રાજકીય પક્ષનો બિલ્લો લગાવીને નહોતા ઉતર્યા પણ ભારતના નામે ઉતર્યા હતા. એ લોકો જીત્યા ત્યારે કોઈ પાર્ટીનો ઝંડો નહોતો ફરકાવ્યો પણ ભારતનો ઝંડો ફરકાવ્યો હતો એ જોતાં તેમને ગાળો આપવી કે રાજકીય પાર્ટી સાથે કનેક્શનના આક્ષેપો કરવા ખોટા છે. ભારત લોકશાહી દેશ છે ને કોઈને પણ ગમે એ પક્ષને ટેકો આપી શકે પણ સ્પોર્ટ્સ સાથે તેને કોઈ લેવાદેવા નથી. બ્રિજભૂષણ સામે કરાયેલા આક્ષેપો કે તેમની સામેની ઝૂબેશ રાજકારણથી પર છે.

કેન્દ્ર સરકારે આ વાત સમજવી જોઈએ અને આ દેશના વડા પ્રધાને તેમને સમય આપવો જોઈએ, તેમને સાંભળવા જોઈએ. કુશ્તીબાજ દીકરીઓને પાંચ મિનિટ અપાશે તો સરકારનું પણ ગૌરવ વધશે ને વડા પ્રધાનનું પણ ગૌરવ વધશે. દીકરીઓને પણ પોતાનું સાંભળનાર કોઈ છે તેનો અહેસાસ થશે.

કુશ્તીબાજોએ પણ એક પહેલ કરીને પોતાના મેડલ પાછા લેવા જોઈએ કેમ કે આ મામલો દેશનો ગૌરવનો છે. દેશને ગૌરવ અપાવનારા દેશનું ગૌરવ ઘટાડે એ યોગ્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button