પુત્રએ આપેલી છેલ્લી ભેટ માતા પાસેથી ખોવાઈ જતા….
નવી દિલ્હી: એક પુત્રએ તેની માતાને ગીફ્ટમાં એક મોબાઈલ આપ્યો અને તેના થોડા સમય બાદ એક માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું. ત્યારે તેની માતાને આપેલો આ ફોન તેના પુત્રની છેલ્લી નિશાની બની ગયો.
દિલ્હીમાં રહેતા 22 વર્ષના યશે તેની માતા કવિતા માટે પ્રેમથી મોબાઈલ ફોન ખરીદ્યો હતો. માતાને તેના પુત્ર દ્વારા આપવામાં આવેલી ભેટ ખૂબ જ ગમી. યશનું જ્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. જ્યારે બીજા પુત્ર રાહુલની આંખોની રોશની નથી આથી કવિતાએ તેની જિંદગીનો એકમાત્ર આધાર ગુમાવી દીધો હતો.
કવિતાએ તેના મૃત પુત્ર દ્વારા આપેલી આ ભેટને તેની છેલ્લી નિશાની ગણીને બહુ જ સાચવીને રાખતી હતી પરંતુ એક દિવસ બજારમાં ખરીદી કરતી વખતે કોઈએ કવિતીનો મોબાઈલ ચોરી લીધો હતો. કવિતા રડતી રડતી પોલીસ સ્ટેશન પહોંચી અને મોબાઈલ સાથે જોડાયેલી તેની યાદો વિશે પણ જણાવ્યું.
મહિલાની વ્યથા જોઈને પોલીસ અધિકારીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા. વરિષ્ઠ અધિકારીઓએ મહિલાનો મોબાઈલ ફોન શોધવા માટે સમગ્ર પોલીસ સ્ટેશનને કામ પર લગાવી દીધું હતું. 23 ડિસેમ્બરે પોલીસને સફળતા મળી અને ટીમે તાહિર નામના યુવકની ધરપકડ કરી અને મહિલાનો મોબાઈલ રિકવર કર્યો હતો.
જ્યારે કવિતાને તેના પુત્રનો મોબાઈલ મળ્યો ત્યારે તે લેવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને મોબાઈલનો પોતાના હૃદય પાસે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. પોલીસે તાહિરની પૂછપરછ કરતા પોલીસે તેના અન્ય સાથીઓ મોહમ્મદ અફસર અને રોશન કુમારની ધરપકડ કરી હતી.