તમે પણ એક સાથે થાળીમાં પીરસો છો ત્રણ રોટલી? પહેલાં આ વાંચી લો…
આપણે ઘણી વખત આપણા ઘરોમાં એ વાતનો અનુભવ કર્યો હશે કે અમુક કામ કરવા માટે આપણા વડીલો આપણને રોકતા અને ટોકતા હોય છે. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જેમ કે ઊભા રહીને ખાવુ-પીવું, ખાતી વખતે મોંમાંથી અવાજ કરવો વગેરે વગેરે. ઘણી વખત આપણા વડીલોએ આપણને એક સાથે થાળીમાં ત્રણ રોટલી પીરસતા પણ રોક્યા હશે, પરંતુ એ વખતે આપણને થાય કે એક સાથે ત્રણ રોટલી પીરસવાથી શું થઈ જવાનું?
પણ બોસ થાળીમાં એક સાથે ક્યારેય ત્રણ રોટલી ના પીરસવી જોઈએ, કારણ કે આવું કરવાનું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એ જ રીતે જ્યારે આપણે ભગવાનને નૈવેદ્ય લગાવીએ ત્યારે પણ ત્રણ વસ્તુ મૂકવાનું ટાળવું જોઈએ. આ પાછળ ધાર્મિક કારણ, માન્યતાઓ તો છે જ પણ એની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ.
હિંદુ ધર્મમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને આ સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવ્યા છે. આ ત્રણેય ભગવાને મળીને જ દુનિયાની રચના કરી છે અને એ દ્રષ્ટિએ જોઈએ તો ત્રણનો આંકડો તો શુભ હોવો જોઈએ, પણ હકીકતમાં એવું નથી. હિંદુ ધર્મમાં, પૂજાપાઠ કે કોઈ પણ શુભ કાર્યમાં ત્રણના આંકડાને અશુભ માનવામાં આવે છે અને આ જ કારણે થાળીમાં એક સાથે ત્રણ રોટલી કે પૂરી સર્વ કરવાની મનાઈ કરવામાં આવી છે.
આ સિવાય હિંદુ ધર્મની જ એક માન્યતા વિશે વાત કરીએ તો કોઈ સગા-સંબંધીનું મૃત્યુ થાય છે ત્યારે તેના ત્રીજા દિવસે અને તેરમાના દિવસે મૃતકના નામે કરવામાં આવેલી થાળીમાં એક સાથે ત્રણ રોટલી સર્વ કરવામાં આવે છે. આ પણ એક માન્યતા છે કે આ થાળીને માત્ર ભોજન પીરસનાર વ્યક્તિ જ જુએ છે અને આ થાળીને જોવાનું પણ અશુભ માનવામાં આવે છે, એટલે થાળીમાં ત્રણ રોટલી સર્વ કરવાને મૃતકને ભોજન કરાવવા સમાન માનવામાં આવે છે.
ખેર, આ તો થઈ ધાર્મિક કારણો અને માન્યતાઓની વાત. પણ આવું ન કરવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે. આજકાલની લાઈફસ્ટાઈલને ધ્યાનમાં લઈએ તો આપણી બધાની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે, એટલે ભોજન ઓછું જ કરવું જોઈએ. સામાન્યપણે એક વ્યક્તિ એક જ સમયમાં જમતી વખતે બે રોટલી, દાળ, શાક, સલાડ, ભાત ખાઈ શકે છે. આનાથી વધારે ભોજન કરવું વધારે બીમારીઓનું કારણ બની શકે છે, એટલે ના તો એક સાથે થાળીમાં ત્રણ રોટલી સર્વ કરવી જોઈએ કે ના તો એક સાથે ત્રણ રોટલી ખાવી જોઈએ.