સેન્ટ્રલ રેલવે આરપીએફએ આટલા કરોડોની ચોરાયેલી સંપત્તિ રિકવર કરી…..
મુંબઈ: મધ્ય રેલવેની આરપીએફે એપ્રિલથી નવેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન 1.38 કરોડ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓ રિકવર કરી હતી. જેના વિશે રેલવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવે આરપીએફને 1.38 કરોડ રૂપિયાની ચોરીની વસ્તુઓ રિકવર કરી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ પાસે હંમેશાં પ્રવાસીઓ અને તેમના સામાનની સુરક્ષા માટે એક ટીમ તહેનાત હોય છે. આ ટીમ મુસાફરોની સુરક્ષા સંબંધિત ફરિયાદોને ઉકેલવા અને આવી ઘટનાઓ ના બને તેનું ધ્યાન રાખવાનું કામ કરે છે.
આરપીએફની વિંગે છેલ્લા આઠ મહિનામાં એટલે કે એપ્રિલથી નવેમ્બર 2023 દરમિયાન 1.38 કરોડ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓને રિકવર કરી હતી, જે રેલવે માટે એક મોટી સિદ્ધિ છે. આ તમામ રિકવર સંપત્તિમાં ફક્ત સોલાપુર ડિવિઝનમાંથી જ 99.29 લાખ રૂપિયાની ચોરાયેલી સંપત્તિની વસૂલાત કરવામાં આવી છે. સોલાપુરમાં કુલ 33 કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં 102 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ઉપરાંત, મુંબઈ ડિવિઝનમાં સૌથી વધુ 169 કેસ નોંધાયા હતા અને આપરીએફ દ્વારા અત્યાર સુધીમાં 287 લોકો સામે કાર્યવાહી કરીને 8.88 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભુસાવલ ડિવિઝનમાં 159 લોકોને પરેશાન કરવાના અને 23.80 લાખ રૂપિયાની સંપત્તિની ચોરીના કુલ 77 કેસ નોંધાયા હતા તેમ જ નાગપુર ડિવિઝનમાં ચોરીની મિલકતના 56 કેસ નોંધાયા હતા અને 170 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રિકવરીમાં 4.09 લાખ રૂપિયાની ચોરાયેલી સંપત્તિ મળી આવી છે.
આ ઉપરાંત પુણે વિભાગમાં કુલ 78 કેસમાં કાર્યવાહી કરી હતી જેમા ચોરીની મિલકતના જ 37 કેસ નોંધ્યા હતા અને 2.10 લાખની કિંમતની ચોરીની મિલકત રિકવર કરવામાં આવી હતી.
સેન્ટ્રલ રેલવેના આરપીએફના કર્મચારીઓએ માત્ર સુરક્ષા વિશેની જ ફરિયાદો પર ધ્યાન આપ્યું એટલું જ નહિ, પરંતુ રોકડ, દાગીના, મહત્વપૂર્ણ દસ્તાવેજો તેમના માલિક સુધી પહોંચાડતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી હતી કે નવા વર્ષની ઉજવણીને કારણે વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પહેલી જાન્યુઆરીના પ્રારંભિક કલાકોમાં ચર્ચગેટ અને વિરાર વચ્ચે વધારાની ટ્રેન ચલાવવામાં આવશે. આ જાહેરાત બાદ મુસાફરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.