Gujarat: નવા વર્ષની શરૂઆત આવી? બે પરિવારના સાત સભ્યએ જીવન ટૂંકાવ્યું
અમદાવાદઃ નવા વર્ષની શરૂઆત આમ તો સકારાત્મકતા અને આશાથી જ થવી જોઈએ. વિતેલું વર્ષ ભલે ખરાબ ગયું હોય આવનારું વર્ષ નવી તક અને ખુશીઓ લઈને આવે તેવી આશા સાથે જ માનવજીવન જીવાતું હોય છે. ત્યારે ગુજરાતમાં બે પરિવારે આવનારા વર્ષને કરૂણતાથી ભરી દીધું છે. એક ચાર જણના પરિવારે 31મી ડિસેમ્બરની મોડી સાંજે અને એક પરિવારે 1લી જાન્યુઆરીની સવારે જીવન ટૂંકાવી નાખ્યું છે.
પહેલી ઘટના ગઈકાલે રાત્રે બની હતી જેમાં પિતા, પુત્ર અને બે પુત્રીના પરિવારે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ભાવનગરના ગઢડાની આ ઘટના છે. જેમાં ચાર વ્યક્તિએ ભાવનગરથી ગાંધીગ્રામ જતી 09216 ટ્રેનમાં આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું હોવાની ઘટના ઘટી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર ગઢડા તાલુકાના સખપર ગામના મંગાભાઈ, જિજ્ઞેશભાઈ, રેખાબેન તથા સોનલબેન એમ પિતા, પુત્ર અને બે પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે મળતી માહિતી અનુસાર મંગાભાઈ પર તેમના સગાભાઈને માર મારવાનો આરોપ હતો અને તેમની આઈપીસી કલમ 307 અંતગર્ત ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હજુ પાંચ-સાત દિવસ પહેલા જ જામીનમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ આર્થિક ભીંસ જેમ જ સામાજિક રીતે પડી રહેલી તકલીફો કારણ હોવાનું કહેવાઈ રહ્યું છે.
તો બીજી બાજુ આવી જ દુઃખદ ઘટના મોરબી જિલ્લામાં બની છે. મોરબીના વાંકેનેરમાં માતા અને તેમની બે યુવાન પુત્રીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની માહિતી મળી છે. અહીં રહેતા ખંડેખા પરિવારની ત્રણ મહિલા માતા મંજુબેન અને પુત્રી સેજલ અને અંજુના આવા આત્યંતિક પગલાંએ બધાને આશ્ચર્ય સાથે શોકમાં ધકેલી દીધા છે. દુઃખની વાત તો એ છે કે પરિવારના એકના એક પુત્રએ 11 મહિના પહેલા જ આપઘાત કર્યો હતો. પોતે સિવિલ સર્વિસિસની તૈયારી કરતો હતો અને નાપાસ થવાના ડરથી તેણે આ પગલું ભર્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેનાં મૃત્યુ બાદ માતા ગમગીન રહેતા હતા અને તેમણે બે દીકરીઓ સાથે આવું પગલું ભરતા સંબંધીઓ સહિત સૌ કોઈ દુઃખ અનુભવી રહ્યા છે. બન્ને કેસમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે.
ગયા વર્ષે પણ હજારો કેસ આત્મહત્યાના દેશમાં નોંધાયા હતા ત્યારે માનસિક સ્વાસ્થ્ય ઘણું મહત્વનું બની ગયું છે.