નેશનલ

રશિયા પર યુક્રેનનો બૉમ્બમારો: ૨૧નાં મોત, ૧૧૧ ઘાયલ

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી વેગ પક્ડયો છે. હાલમાં રશિયાએ યુક્રેન પર ભારે બોંબમારો કર્યો હતો. જેનો વળતો જવાબ આપતા યુક્રેને રશિયન શહેર પર કરેલા બોંબમારામાં ત્રણ બાળકો સહિત ૨૧ લોકોનાં મોત થયાં છે. યુક્રેનની ઉત્તર સરહદે સ્થિત બેલ્ગોરોડ શહેર પર થયેલા હુમલામાં ૧૧૧ લોકો ઘાયલ થયા હોવાનું રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું. આ શહેર પર યુક્રેનનો સૌથી મોટો હુમલો હતો.

આ પહેલા રશિયન સેનાએ યુક્રેન પર ૧૨૨ મિસાઇલ અને ૩૬ ડ્રોનથી હવાઇ હુમલા કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના જણાવ્યા મુજબ રશિયન હુમલામાં ૩૯ લોકોના ંમોત થયાં હતાં અને ૧૬૦ લોકો ઘાયલ થયા હતા. તેમના કહ્યા મુજબ હુમલાઓથી ૧૨૦ શહેર અને ગામડાઓ પ્રભાવિત થયાં હતાં. યુક્રેનની સેના લાંબા સમયથી તેની સરહદ સાથે જોડાયેલા રશિયાના વિસ્તારો પર હુમલાઓ કરી રહી છે, પરંતુ આ અત્યાર સુધીનો સૌથી લોહિયાળ હુમલો હોવાનું જણાવાઇ રહ્યું છે.

બેલ્ગોરોડ પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે રુસી એસ-૩૦૦ મિસાઇલોએ યુક્રેનના બીજા શહેર ખાર્કીવ પર હુમલો કર્યો હતો. જેમાં બે યુવકો સહિત ૨૧ લોકો ઘાયલ થયા હતા. એક મિસાઇલે ખાર્કીવ પેલેસ હોટલ અને બીજા એક એપાર્ટમેન્ટની ઇમારતને નિશાન બનાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ એક તબીબી સંસ્થા અને અન્ય એક નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે.

રશિયાના સરંક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કીવ શાસને પ્રતિબંધિત ક્લસ્ટર કોન્ફિગરેશનમાં બે ઓલ્ખા મિસાઇલો સાથે ચેક નિર્મિત વેમ્પાયર રોકેટનો ઉપયોગ કર્યો છે. બેલ્ગોરોડ શહેર પર થયેલા અંધાધૂંધ હુમલાના અપરાધને માફી આપવામાં આવશે નહીં. બન્ને ઓલ્ખા મિસાઇલોને નષ્ટ કરી દેવામાં આવી છે, જેથી ભારે નુકસાન થતા બચી ગયું હોવાનું નિવેદનમાં કહેવામાં આવ્યું છે. યુક્રેનના ખાર્કીવમાંથી મલ્ટીપલ રોકેટ લોન્ચર દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોએ સેન્ટ્રલ કેથેડ્રલ સ્કેવર પર સ્કેટિંગ રિક, એક શોપિંગ સેન્ટર અને રહેણાંક ઇમારતોને નિશાન બનાવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

યુક્રેનના આ હુમલામાં મોટી સંખ્યામાં કોમર્શિયલ પ્રોપર્ટી, શોપિંગ સેંટર અને દુકાનોની સાથે સાથે ૨૨ એપાર્ટમેન્ટની ઇમારતો અને ૧૦૦થી વધુ કારને નુકસાન થયું છે. નોંધનીય છે કે રશિયાએ યુક્રેન પર ફેબ્રુઆરી, ૨૦૨૨માં હુમલો કર્યો હતો. જેને રશિયા વિશેષ લશ્કરી કાર્યવાહી ગણાવે છે. રશિયન સેનાએ શુક્રવારે યુદ્ધનો સૌથી મોટો હવાઇ હુમલો કર્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button