નેશનલ

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, ૨૩ ટ્રેન મોડી

નવી દિલ્હી: વર્ષ ૨૦૨૩ના છેલ્લા દિવસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ઉત્તર ભારતનાં ૭ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહ્યો હતો. આસામના જોરહાટ, પંજાબના પઠાનકોટ-ભટિંડા, જમ્મુ અને આગ્રામાં ઝીરો વિઝિબિલિટી નોંધાઇ હતી. ધુમ્મસના લીધે દિલ્હીના આસપાસની ૨૩ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી હતી.

જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં તાપમાન ઠાર બિંદુની નીચે પહોંચી ગયું છે. શ્રીનગરમાં તાપમાન માઇનસ ૩.૪ ડિગ્રી સે. નોંધાયું હતું. તો વળી અનંતનાગમાં માઇનસ ૩.૪ ડિગ્રી સે. અને ગુલમર્ગમાં માઇનસ ૩.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં રવિવારે સવારે તાપમાન ૭ થી ૧૦ ડિગ્રી સે. વચ્ચે નોંધવામાં આવ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ભારતમાં ૨૪ કલાકમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાશે. એટલે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં નવા વર્ષના પહેલા દિવસે હજુ ઠંડી વધશે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ઉત્તર ભારત ઉપરાંત ઝારખંડ અને ઓડિશાના કેટલા ભાગોમાં ધુમ્મસ છવાયેલો રહેશે. તેમજ તમિલનાડુ, દક્ષિણ કેરળ, લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં ડિસેમ્બરના અંત સુધીમાં શીત લહેર આવી નહોતી અને રાત્રિનું તાપમાન સામાન્ય આસપાસ રહ્યું હતું. હકીકતમાં જ્યારે રાત્રિનું તાપમાન સામાન્ય કરતા ૪.૫ ડિગ્રીથી ૬.૪ ડિગ્રી ઓછું હોય ત્યારે શીત લહેર ચાલી રહી હોવાનું માનવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં શીત લહેર ન ચાલતા ૩૪ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button